BREAKING NEWS

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

  • August 03, 2026 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી 

​​​​​​​રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રીનો જવાબ 

03 ઓગસ્ટ, 2026: ઈન્ડિયા-AI (IndiaAI) મિશન હેઠળ ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. 'IndiaAI FutureSkills' સ્તંભ હેઠળની આ લેબ્સ AI, ડેટા એનોટેશન (Data Annotation), ડેટા ક્યુરેશન (Data Curation) અને એપ્લાઇડ ડેટા સાયન્સ (Applied Data Science) માં તાલીમ આપશે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) સંબંધિત પ્રશ્નોના જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદ દ્વારા આ માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના 'IndiaAI Startup Financing' સ્તંભ હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક AI ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને લક્ષિત સહયોગ પૂરો પાડવા માટે બે (02) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (AI-CoEs) ફાળવવામાં આવ્યા છે.

'FutureSkills' સ્તંભ અન્વયે આપવામાં આવતી 'IndiaAI Fellowship' નો ઉદ્દેશ્ય દેશભરમાં AI રિસર્ચ કરી રહેલા અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ સ્કોલર્સને સહયોગ આપીને ભારતની AI ક્ષમતા (Talent Pipeline) નું નિર્માણ કરવાનો છે. ગુજરાતને કુલ 23 ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, જેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 PhD રિસર્ચ ફેલોશિપ સામેલ છે, જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં AI સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે.

મંત્રીના લેખિત જવાબમાં જણાવાયું હતું કે 'IndiaAI Compute' સ્તંભ 15 પેનલબદ્ધ કોમ્પ્યુટ સર્વિસ પ્રોવાઇડર્સ (CSPs) મારફતે સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, MSME, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને સરેરાશ પ્રતિ GPU-કલાક આશરે ₹65 ના સબસિડી વાળા દરે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ની સુવિધા પૂરી પાડીને હાઇ-પર્ફોર્મન્સ AI કોમ્પ્યુટિંગ સુધીની પહોંચને સરળ અને સુલભ બનાવે છે. આ સંદર્ભમાં, ગુજરાતમાં 'ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ' (GIL) અને 'ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ' (AMUL) સહિતની ગુજરાત-સ્થિત સંસ્થાઓને હાઇ-એન્ડ GPU કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે.

લેખિત જવાબમાં આપેલી માહિતી અનુસાર, ભારતની AI સ્ટ્રેટેજી $300 બિલિયનની વાર્ષિક આવક અને 60 લાખ કર્મચારીઓના વિશાળ સમૂહ ધરાવતા ભારતના વાઇબ્રન્ટ IT ક્ષેત્ર પર આધારિત છે. કેન્દ્ર સરકારે 7 માર્ચ 2024 ના રોજ પાંચ વર્ષ માટે રૂ. 10,371.92 કરોડના કુલ બજેટ સાથે 'IndiaAI Mission' ને મંજૂરી આપી હતી. આ મિશન સાત મુખ્ય સ્તંભો મારફતે કાર્યરત છે: IndiaAI Compute, IndiaAI Foundation Models, AIKosh (Datasets Platform), IndiaAI Application Development Initiative (IADI), IndiaAI FutureSkills, IndiaAI Startup Financing, અને Safe & Trusted AI. IADI સ્તંભ હેઠળ, ઈન્ડિયા-AI મિશને 11 રાષ્ટ્રીય સ્તરની હેકાથોન અને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application