અમેરિકા જેવા નહીં આપો તો પણ ચાલશે, અમારે માત્ર સારા રસ્તા જોઈએ છે

  • June 05, 2023 12:07 PM 

પણા ’બહુ બોલકા’ પ્રધાન નીતિન ગડકરીએ હમણાં દેશના તમામ હાઇ-વે ૨૦૨૪ સુધીમાં અમેરિકા જેવા થઈ જશે તેવી સરસ મજાની લોલીપોપ આપી છે. તેમનું કહેવું હતું કે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ નહી થાય એટલે હવે ભારત સરકાર ૨૦૨૪ સુધીમાં અમેરિકા જેવા રસ્તા થઈ જાય એ પ્રમાણેના હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.
સપના જોવાનો અને ગામને સપના દેખાડવાનો બધાને અધિકાર છે પણ આ સપના દેખાડવા પાછળ તમારો ઈરાદો હોય તો સારી વાત છે બાકી માત્ર મોટી મોટી વાતો જ હોય તો તેનો કોઈ અર્થ નથી. મંત્રી ગડકરી આમ પણ કાંઇક અણધાર્યું બોલવાની ટેવવાળા છે. તેમણે તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઝોન .એફ. કેનેડીને ટાંકીને એવું જ્ઞાન આપ્યું કે અમેરિકામાં રસ્તા સારા થયા છે તેને કારણે તે સમૃદ્ધ થયું છે. પ્રધાનમંત્રી જ્યારે અટલજી હતા ત્યારે મને ચર્ચા માટે બોલાવ્યો હતો તે સમયે ગ્રામ સડક યોજના નો અમલ કરવાના પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું અને આજે દેશભરમાં અનેક ગામડાઓને મુખ્ય રસ્તાથી જોડી દીધા છે. નીતિન ગડકરીને ખબર હોવી જોઈએ કે ગામડાના રસ્તા હોય કે નેશનલ હાઈ-વે બધે સ્પીડ બ્રેકર ખડકી દેવામાં આવ્યા છે અને રસ્તા ઊંટની પીઠ જેવા થઇ ગયા છે.


ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ બોલવા બેસે ત્યારે વાસ્તવિકતાનું ભાન રાખ્યા વિના જે જીભે ચડે છે તે બોલી નાંખે છે. તેના કારણે પોતે હાસ્યાસ્પદ ઠરશે તેનું પણ તેમને ભાન રહેતું નથી અને નીતિન ગડકરીએ તેનું ઉદાહરણ પૂરું પાડયું છે. લખનઉમાં ગડકરીએ એલાન કર્યું હતું કે, ૨૦૨૪ સુધીમાં ઉત્તર પ્રદેશના રસ્તા યુનાઈટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા કરતાં પણ બહેતર થઈ જશે. યુપીમાં રસ્તા સારા બનાવવા માટે મોદી સરકાર બહુ જલદી ૫ લાખ કરોડ રૂપિયા મંજૂર કરશે એવો દાવો પણ ગડકરીએ કર્યો.
ગડકરીએ એવું જ્ઞાન પણ પિરસ્યું કે, સારા રસ્તા બનાવવા માટે નાણાંથી વધારે જરૂરી ઈચ્છાશક્તિ છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસવે ઈચ્છાશક્તિના કારણે જ બન્યો હોવાનો ઉલ્લેખ કરીને ગડકરીએ દાવો કર્યો હતો.


રસ્તા સુધારીને યુએસ જેવા કરી દેવાની જાહેરાત પહેલી વાર નથી કરી. અત્યારે જૂન ચાલે છે એ જોતાં ૨૦૨૪ આડે ૬ મહિના બાકી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ગડકરી પાસે છે. ગડકરીએ સારું કામ કર્યું છે એવું કહેવાય છે પણ એ છતાં હજુ ભારતના રસ્તા યુએસ જેવા નથી જ બન્યા. ગડકરીએ જેનો ઉલ્લેખ કર્યો એ મુંબઈ-પૂણે એક્સપ્રેસવે જેવા અપવાદરૂપ હાઈવેને બાદ કરતાં ભારતના મોટા ભાગના હાઈવે કે એક્સપ્રેસવે વખાણવા જેવા નથી જ.
ગુજરાતમાં જ કેન્દ્ર સરકારે બનાવેલા હાઈવે કે એક્સપ્રેસવેની હાલત કેવી છે એ આપણે જોઈએ જ છીએ. એ રસ્તાઓ પર નિકળતી વખતે અમેરિકા કે યુરોપના રસ્તા પર ફરતા હોઈએ એવી ફીલ જરાય આવતી નથી. અત્યારે તો ઠેર ઠેર ગાબડાં પડેલાં છે તેથી મોટા ભાગના રસ્તા પર નિકળતી વખતે કમરના મણકા ઢીલા થઈ જાય એવી સ્થિતી છે.
ગડકરીએ ૯ વર્ષમાં ઘણા રોડ બનાવ્યા પણ મોટા ભાગના રોડની હાલત અત્યંત ખરાબ છે. સંખ્યાબંધ રસ્તા સમારકામના અભાવે ખાબડખૂબડ પડયા છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો થાય છે ને તેમાં લોકો મોતને પણ ભેટે છે.


ભારતમાં ખરાબ રસ્તાના કારણે ૨૦૨૧માં ૧.૫૫ લાખ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત માટે ઘણાં કારણો જવાબદાર હોય છે પણ એક કારણ ખરાબ રસ્તા પણ છે જ. ગડકરી આ બધામાં કોઈ સુધારો કરાવી શકતા નથી. બધા રસ્તાની જવાબદારી ગડકરીની નથી પણ કેન્દ્ર સરકારે બનાવેલા રસ્તાઓની પણ આ જ હાલત છે.
મોદી સરકારના બજેટમાં આ વર્ષે રોડ-હાઈવે માટે ૧.૮૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે ખાનગી કંપનીઓને ટર્ન-કી બેઝ પર અપાતા રોડ-હાઈવેના પ્રોજેક્ટ્સ સાથે અત્યારે ભારતમાં લગભગ ૨ લાખ કરોડનું રોકાણ રોડ-હાઈવેમાં થાય છે. એ જ રેશિયોને ધ્યાનમાં રાખીએ તો પણ આવતા વરસે મહત્તમ ૩ લાખ કરોડનું રોકાણ આખા દેશમાં આવે. સરકાર દ્વારા અપાતી રકમ ઉમેરો તો પણ ૫ લાખ કરોડ રૂપિયા ના થાય. આ સ્થિતીમાં યુપીને એકલાને ૫ લાખ કરોડની મંજૂરી કઈ રીતે મળે એ સવાલ છે. માત્ર વાતો કરીને કાગળ પર મંજૂરી આપી દેવાય એ અલગ વાત છે પણ વાસ્તવિક રીતે આખા દેશના રોડ-રસ્તા માટે પણ ૫ લાખ કરોડ મંજૂર કરવા અત્યારે તો શક્ય નથી. ગડકરીના મંત્રાલયે પોતે ૨૦૨૫ સુધીમાં ૨૩ નેશનલ હાઈવે બનાવવાનું આયોજન કર્યું છે. તેનો કુલ ખર્ચ ૫.૩૫ લાખ કરોડ છે. તેને માટે પૂરતું ભંડોળ નથી મળતું ત્યાં એકલા યુપી માટે ૫ લાખ કરોડ ક્યાંથી મળવાના?
ભારતમાં મોટા ભાગના રસ્તાઓની જે હાલત છે એ જોતાં યુએસ જેવા રસ્તા થઈ જાય તો તો સ્વર્ગ જ ઉતરી આવે પણ ગડકરી ગમે તેવી વાતો કરે, ભારતમાં રોડ-રસ્તા ક્ષેત્રે બહુ કામ કરવું પડે એમ છે. ભારતમાં અત્યારે જે હાઈવે છે તેમાંથી માત્ર ૩ ટકા નેશનલ હાઈવે એટલે કે ફોર લેન છે. ભારતમાં કુલ હાઈવેમાંથી ૭૫ ટકા હાઈવે ટુ લેન છે.
ગડકરીએ યુએસ જેવા રસ્તા કરવાના બદલે આ રસ્તા કઈ રીતે મોટા કરી શકાય એ વિશે વિચારવાની જરૂર છે. ગડકરી મોટી મોટી વાતો કરીને મીડિયામાં પબ્લિસિટી મેળવી લે છે પણ પછી પાણીમાં બેસી જાય છે. હમણાં કારમાં ફરજિયાત છ એરબેગ્સ અને એ પહેલાં સીટ બેલ્ટ ના પહેરો તો હજાર રૂપિયા સુધીનો દંડ સહિતના આકરા નિયમોના મુદ્દે પણ ગડકરી મોટી મોટી વાતો કરીને પાણીમાં બેઠા હતા.


ગડકરીએ ૨૦૨૧માં એલાન કર્યું હતું કે, પોતે બે-ત્રણ દિવસમાં કાર ઉત્પાદક કંપનીઓએ ફરજિયાતપણે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવું પડે એવા આદેશ પર સહી કરશે. એ પછી રાત ગઈ, બાત ગઈ. ભારતમાં હજુ સુધી કંપનીઓ માટે ફરજિયાત ફ્લેક્સ-ફ્યુઅલનો આદેશ આવ્યો નથી.
​​​​​​​
ગડકરી પહેલા એવા નેતા નથી કે જેમણે રસ્તાઓની હાલત સુધારી દેવાની વાતો કરી હોય. લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દાવો કરેલો કે, પાંચ વર્ષમાં તો બિહારના રોડ હેમા માલિનીના ગાલ જેવા કરી દઈશું. મતલબ કે, એકદમ લિસ્સા ને ચમકતા કરી દઈશું. ડ્રીમ ગર્લ તરીકે જાણીતી હેમા માલિનીની સુંદરતાનાં લાલુએ આડકતરી રીતે વખાણ કરેલાં પણ એેની બહુ ટીકા થઈ હતી. લાલુ પ્રસાદ ગયા ને હવે તેમનો દીકરો બિહારમાં સત્તામાં છે પણ બિહારના રસ્તા એવા ને એવા જ છે.
મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર હતી ત્યારે રોડ મંત્રી પી.સી. શર્માએ પણ કહેલું કે, મધ્ય પ્રદેશમાં અત્યારે રોડની હાલત કૈલાશ વિજયવર્ગીયના ગાલ જેવી છે પણ અમે હેમા માલિનીના ગાલ જેવા રોડ કરી દઈશું. ગયા વરસે મહારાષ્ટ્રમાં જલગાવં જિલ્લાના શિવસેનાના નેતા ગુલાબરાવ પાટિલે પડકાર ફેંકેલો કે, મારા મતવિસ્તારમાં આવીને રોડની સ્થિતી જોઈ લો. રોડ-રસ્તા હેમા માલિનીના ગાલ જેવા ના હોય તો હું રાજીનામું ધરી દઈશ. આ બધી વાતો હવામાં જ રહી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application