આગામી તારીખ 6 થી 14 સુધી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છ માસિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, બીજી બાજુ આગામી તારીખ 7 થી 15 દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપતાહની ઉજવણી નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવાની જાહેરાત સરકારે કરી છે. આવા કાર્યક્રમોમાં સહભાગી થવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાઓને આદેશ મોકલવામાં આવતા ભારે વિરોધ ઊભો થયો છે. પરીક્ષા અને વિકાસ સપ્તાહની ઉજવણી એક સાથે કેવી રીતે કરવી તે પ્રશ્ન શાળા સંચાલકોને મૂંઝવી રહ્યો છે.
વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ સાતના રોજ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં કવીઝ, નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા તજજ્ઞોના પ્રવચનો વ્યાખ્યાન માળા જેવા કાર્યક્રમો યોજવા માટે સરકારે આદેશ કર્યો છે, એટલું જ નહીં આવા કાર્યક્રમની માહિતી અને ફોટોગ્રાફ પણ સરકારને નિયમિત રીતે ઓનલાઇન મોકલવાના રહેશે.
તારીખ સાત ઓક્ટોબરના પ્રથમ દિવસે યુવા સશક્તિકરણ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજાશે અને તારીખ 8 ના રોજ રોજગાર મેળો યોજવામાં આવશે. તારીખ 9 ના રોજ પોષણ દિવસ, તારીખ 10 ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસ, તારીખ 11 ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા કાર્યક્રમો, તારીખ 12 અને 13 ના રોજ શહેરી વિકાસના કાર્યક્રમ, તારીખ 14 ના રોજ કૃષિ વિભાગના અને તારીખ 15 ના રોજ લોકાર્પણ અને ખાતમુહૂર્તના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહ ની આ ઉજવણીમાં શિક્ષણ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પંચાયત મહિલા અને બાળ વિકાસ કૃષિ અને સામાન્ય વહીવટ વિભાગને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે.