યશરાજ ફિલ્મ્સના પ્રખ્યાત સ્પાય યુનિવર્સ બેનર હેઠળ બનેલી આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’હજુ થિયેટરોમાં રિલીઝ પણ નથી થઈ, ત્યાં જ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પોતાનો દબદબો બનાવવાનું શરૂ કરી દીધું છે. રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મની ઝોળીમાં કરોડો રૂપિયા આવી ગયા છે. આલિયા ભટ્ટ અને શરવરી વાઘ સ્ટારર આ ફિલ્મ માટે ૧ જુલાઈથી એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને માત્ર ૨૪ કલાકમાં જ દેશભરમાં આ ફિલ્મની ટિકિટો એટલી ઝડપથી વેચાઈ છે કે કલેક્શનનો આંકડો કરોડોમાં પહોંચી ગયો છે. અહેવાલ મુજબ, ૩ જુલાઈએ સિનેમાઘરોમાં દસ્તક આપનારી આ ફિલ્મ માટે ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ધડાધડ બુકિંગ શરૂ થઈ ગયું હતું. ભારતમાં અત્યાર સુધીમાં મળેલા લિમિટેડ શોઝમાંથી જ હજારો ટિકિટો વેચાઈ ચૂકી છે. માત્ર એક જ દિવસમાં આલ્ફાએ ૪૧ લાખ રૂપિયાની નેટ એડવાન્સ કમાણી કરી લીધી છે, જ્યારે બ્લોક સીટ્સની સાથે આ આંકડો આશરે ૧.૫૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. રિલીઝના દિવસ સુધીમાં આ કલેક્શનમાં હજુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ એક જાસૂસી એક્શન ડ્રામા છે, જેમાં એક ગેરકાનૂની સૈનિક પ્રોગ્રામને ખતમ કરવા માટે આલિયા ભટ્ટ અને શરવરી સામસામે જોવા મળશે. શિવ રવૈલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા અને શરવરી સિવાય બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બોબી દેઓલ ફરી એકવાર વિલનના રોલમાં ધમાકો કરવા માટે તૈયાર છે.
હવે સિનેમા જગતના વિશ્લેષકોની નજર એ વાત પર ટકેલી છે કે શું આલિયા ભટ્ટની આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ, હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી અક્ષય કુમારની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ને પાછળ છોડી શકશે કે નહીં. એકતરફ દર્શકો કોમેડીનો આનંદ માણી રહ્યા છે, ત્યારે હવે શાનદાર એક્શનથી ભરપૂર ‘આલ્ફા’ ઓડિયન્સને કેટલી આકર્ષિત કરી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.