BREAKING NEWS

હાલારમાં પાવરચોરી બેફામ, અધધ.. ૪.૬૪ કરોડની વીજ ગેરરીતિનો પર્દાફાશ

  • October 19, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં પાવરચોરી બેફામ, અધધ.. ૪.૬૪ કરોડની વીજ ગેરરીતિનો પર્દાફાશ

કાર્યવાહી: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૩૮૩૬ માંથી ૫૨૪ વીજજોડાણમાં ચોરી 

૫૩ ટુકડી દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સતત ૬ દીવસની મેગાડ્રાઇવમાં મસમોટી વીજચોરી પકડાઇ, ચેકીંગ કામગીરીનું વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું 

હાલારમાં પાવરચોરીના દૂષણનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. કારણ કે, બંને જિલ્લામાં વીજતંત્રની ૫૩ ટુકડી દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સતત ૬ દીવસ હાથ ધરાયેલી મેગા ડ્રાઇવમાં અધધ..૪.૬૪ કરોડની વીજ ગેરરીતિનો પર્દાફાશ થયો છે. બંને જિલ્લમાં ૩૮૩૬ માંથી ૫૨૪ વીજજોડાણોમાં ચોરી ઝડપાતા દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં. ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્તની સાથે સમગ્ર કામગીરીનું વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.

જામનગર સર્કલ હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક વીજચોરીના કારણે ટી એન્ડ ડી લોસમાં ઘટાડો થઇ રહ્યો નથી. જે એક વરવી વાસ્તવિકતા છે. આથી વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સમયાંતરે ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત હાલારના બંને જિલ્લામાં તા.૧૨ થી ૧૭ ઓકટોબર એટલે કે ૬ દીવસ મેગા ચેકીંગ ડ્રાઇવ પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી ડામવા માટે હાથ ધરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશ દરમિયાન ૬ દીવસમાં કુલ ૫૨૪ વીજજોડાણોમાં વીજચોરી પકડી પાડવામાં આવી છે. આ ઝુંબેશમાં ૫૩ ટીમો દ્વારા કુલ ૩,૮૩૬ વીજજોડાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાં વીજચોરીના કિસ્સાઓ સામે આવતાં રૂ.૪.૬૪ કરોડની રકમની આકારણી કરવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા વીજચોરી અટકાવવા અને વીજવપરાશમાં થતી ગેરરીતિઓ શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલી આ તપાસ ઝુંબેશ અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં જામનગર, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર અને ઓખામંડળ તાલુકાનાં ગામો ઉપરાંત જામનગર શહેર વિસ્તારમાં પણ વીજજોડાણોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ ૫૩ તપાસ ટુકડીઓ કાર્યરત રહી હતી. આ ટીમોએ સપ્તાહ દરમિયાન ૩,૮૩૬ વીજજોડાણો તપાસતાં ૫૨૪ જોડાણોમાં વીજચોરી પકડી પાડી હતી. આ કિસ્સાઓમાં વીજચોરીની અંદાજિત આકારણી રૂ. ૪.૬૪ કરોડ થવા પામી છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ હાથ ધરાયેલી આ સપ્તાહવ્યાપી તપાસ ઝુંબેશના આંકડા વીજચોરી સામેની કાર્યવાહીનું પ્રમાણ દર્શાવે છે. વીજચોરીના કારણે વીજતંત્રને થતું નુકસાન અટકાવવા માટે બંને જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application