જામનગર મહાનગરપાલીકામાં કામ થઇ જશેની શેખી મારી ખુદ મનપાનો એક કર્મચારી અરજદારો પાસેથી નાણાં ખંખેરતો હોવાની ચોંકાવનારી ફરિયાદો મનપના વર્તુળોમાં જોરશોરથી ઉઠી છે. આટલું જ નહીં અત્યાર સુધીમાં ઘણાં અરજદારો તેનો ભોગ બન્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આ તોડબાજ કર્મચારી અગાઉ સસ્પેન્ડ પણ થઇ ચૂકયો છે અને સતાધીશો તથા અધિકારીઓને પણ ગાંઠતો નથી. નવાઇની વાત તો એ છે કે, ભોગ બનનાર અરજદારોએ આ બાબતે મનપાના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં આ તોડબાજ કર્મી સામે કોઇ પગલાં ન લેવાતા અરજદારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જામનગર મહાનગરપાલીકાના એક કર્મચારીના તોડકાંડે માઝા મૂકી છે. મનપામાં ફરજ બજાવતો આ કર્મચારી અગાઉ ફરજમાં બેદરકારી તથા અન્ય ચોંકાવનારા કારણોસર સસ્પેન્ડ પણ થઇ ચૂકયો છે. પરંતુ તોડની આદત ધરાવતા આ કર્મચારી મનપામાં કોઇ પણ કામ થઇ જશેની શેખી મારી ફરજના સ્થળે આવતા અરજદારોને શીશામાં ઉતારી નાણાં ખંખેરી હાથ ઉંચા કરતો હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. નવાઇની વાત તો એ છે કે, આ કર્મચારીએ તાજેતરમાં એક દુકાનદારને શોપ લાયસન્સ વેરો ભરવો પડશે તેમ જણાવી આ દુકાનદાર પાસેથી રૂ.૫૫૦૦ લઇ વેરો ભર્યો ન હતો. આથી દુકાનદારે તેના વિસ્તારના નગરસેવકને ફરિયાદ કરી હતી.
આટલું જ નહીં એક મહીલા વેરો ભરવા આવી ત્યારે આ તોડબાજ કર્મચારીએ તમારે લાઇનમાં ઉભા રહેવું ન પડે હું વેરો ભરી બપોર પછી પહોંચ આપીશ તેમ કહી રૂ.૧૯૦૦૦ મહીલા પાસેથી પડાવી લીધા હતાં. પરંતુ ત્યારબાદ મહીલાએ આ કર્મીનો સંપર્ક કરતા તેને પોતાનો મોબાઇલ બંધ કરી હાથ ઉંચા કરી દીધા હતાં. આથી આ મહીલાએ પોતાના પતિ સાથે મનપાના ઉચ્ચ અધિકારીને રૂબરૂ ફરિયાદ કરી હતી.
આ સમયે મહીલા ચોધાર આંસુએ રડી પડી હતી. આથી અધિકારીએ તેણીની તમામ વિગતો લીધી હતી. નવાઇની વાત તો મનપાના આ કર્મચારીએ ઘણા અરજદારો પાસેથી યેનકેન પ્રકારે નાની-મોટી રકમના તોડ કર્યા છે. આટલું જ નહીં મનસ્વી રીતે ફરજ બજાવતો આ કર્મચારી મનપાના સતાધીશો અને અધિકારીઓને પણ ગાંઠતો નથી. ત્યારે જો આ કર્મચારીના તોડકાંડની ખાનગી રાહે અને ન્યાયીક તપાસ કરવામાં આવે તો મસમોટું ચોંકાવનારૂ નાણાંકીય કૌંભાડ બહાર આવવાની શકયતા પણ અતરંગ સૂત્રોએ વ્યકત કરી છે. ત્યારે મનપામાં જુદી-જુદી સેવા અર્થે આવતા અરજદારોએ આ તોડબાજ કર્મચારી અને આ પ્રકારના શખ્સોથી સાવધ રહેવું જરૂરી છે. બીજી બાજુ શહેરીજનોે સામે નાની બાબતોએ કાયદાનો દંડો ઉગામતા મનપાના ઉચ્ચ અધિકારીઓ અને સતાધીશોે આ તોડબાજ કર્મચારી સામે પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application