ક્રૂરતાની ચરમસીમા: ખાખીનો ખૌફ ધીરે ધીરે ઓછો થતો જાય છે

  • June 02, 2023 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં આદિ અનાદિકાળથી અપરાધ થતાં આવે છે. ભગવાન રામના સમયમાં રાજા રાવણે છેતરપિંડી, મહિલાનું અપહરણ અને તેને બંધક બનાવવાનો અપરાધ કર્યો હતો તો ભગવાન કૃષ્ણના સમયમાં પણ કંસ મામાએ બાળ હત્યા કરી હતી, જુગાર પણ રમાતો હતો.. રાજાશાહીમાં પણ દાસીઓનું શોષણ થતું હતું અને અત્યારે પણ થાય છે. અપરાધનું સ્વરૂપ બદલાતું જાય છે અને અપરાધીઓ વધુ ક્રૂર થતા જાય છે. અત્યારે તો અપરાધ કર્યા પછી તેને છુપાવવા માટે જે કૃત્ય કરવામાં આવે છે તે ભલભલા સ્ટોરી લેખકોને નવા પ્લોટ પુરા પાડે છે. ગુનેગારો માટે કોઈની હત્યા કરવી એ તો સામાન્ય થઈ ગયું છે પરંતુ લાશના કટકા કરવા, તેને ફ્રીઝમાં રાખવા અને પછી ધીરે ધીરે તેનો નિકાલ કરવો, કોઈને ગાડીની નીચે કચડી નાખ્યા પછી કિલોમીટર સુધી તેને ઢસડવી... પણ હવે કોમન થતું જાય છે.


દેશમાં હમણાં હમણાં જે અપરાધિક ઘટનાઓ બને છે તેમાં રહેલી કૃરતા જોઈને ખળભળી જવાય છે. દેશની રાજધાની દિલ્હી ક્રાઈમનું કેપિટલ પણ ગણાય છે અને અહીંના માનસિક વિકૃતિ ધરાવનાર લોકો જે રીતે ઘટનાને અંજામ આપે છે તેવુ ભૂતકાળમાં ક્યારે થયું નથી.
હદ તો ત્યારે થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર અત્યાચાર થતો હોય ત્યારે લોકો મુકપ્રેક્ષક બનીને જોયા કરે છે અને વિડીયો બનાવીને પોસ્ટ કરે છે. હમણાં દિલ્હીમાં પણ સરેઆમ આવું જ થયુ.
દિલ્હીમાં સાક્ષી નામની ૧૬ વર્ષની છોકરીની સાહિલ નામના મુસ્લિમ યુવકે જાહેરમાં લોકોની નજર સામે નિર્દયતાથી હત્યા કરી નાખી. ૧૬ વર્ષની સાક્ષીને નજીકમાં જ રહેતા સાહિલ સરફરાજ નામના યુવક સાથે સંબંધો હતા એવું પોલીસે કહ્યું છે.


એસી મિકેનિક સાહિલ ખાન, જેણે ૧૬ વર્ષની સાક્ષી પર નિર્દયી રીતે હુમલો કરી હત્યા કરી નાખી, તેણે બધાને અંદરથી હચમચાવી નાખ્યા છે. કોઈ વ્યક્તિ આટલો ક્રૂર કેવી રીતે બની શકે? તેણે સાક્ષીના શરીરમાં ૨૪થી વધુ વખત છરી મારી હતી અને બાદમાં પથ્થરથી માથું છુંદી નાખ્યું હતું. ઘટનાના ૨૪ કલાકની અંદર જ હત્યારાની દિલ્હી પોલીસે બુલંદશહરથી ધરપકડ કરી હતી. આ વચ્ચે સાહિલના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી તેની હરકતો વિશે જાણ થાય છે, જે મુજબ તે ’હાર્ક લાઈફ’ જીવવાનું પસંદ કરતો હતો. પરિવારના સભ્યો અને પાડોશીઓએ તેને ’શરમાળ પ્રકૃતિ’નો છોકરો ગણાવ્યો હતો, જેને માત્ર પોતાના કામથી જ મતલબ હતો. પરંતુ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કંઈક અલગ જ કહે છે. મોટાભાગની તસવીરો અને વીડિયોમાં તે મિત્રો સાથે હુક્કો અથવા દારુ પીતો દેખાયો.


પોલીસના કહેવા પ્રમાણે, બંને વચ્ચે કોઈ વાતે ઝગડો થયો હતો ને તેના કારણે સાહિલે ૧૬ વર્ષની સાક્ષીને ચપ્પુના ઉપરાછાપરીઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. ચપ્પુના ઘા માર્યા પછી સંતોષ નહીં થયો હોય એટલે પાછો આવ્યો અને એક પથ્થર વડે ઉપરાછાપરી પ્રહારો કરીને માથું છૂંદી નાખીને સાક્ષીની જીવવાની રહીસહી આશા રહી હતી એ પણ ખતમ કરી નાખી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ને એ જોઈને કંપારી છૂટી જાય. કોઈ વ્યક્તિ આ હદે ઝનૂને ચડીને કઈ રીતે પોતાની પ્રેમિકાની બેરહમીથી હત્યા કરી શકે એવો સવાલ પણ ઊભો થાય. આ ઘટના સરેઆમ બની છે ને સાહિલ સાક્ષીને ચપ્પુના ઘા કરતો હતો ત્યારે ઘણાં લોકો હાજર હતા પણ કોઈએ તેને રોકવાનો પ્રયત્ન જ ન કર્યો.
જાહેરમાં કોઈની હત્યા થતી હોય ને લોકો હાથ જોડીને ઊભા રહે એવું આપણે ફિલ્મોમાં બહુ જોયું છે પણ વાસ્તવિક જીવનમાં પણ એવી ઘટના બની એ હચમચાવી નાખે છે. લોકો હત્યાની ઘટના તરફ પણ આ રીતે નિર્લેપ બનીને વર્તી શકે ને હત્યારાને રોકવા પણ પ્રયત્ન ના કરે એ ખરેખર આઘાતજનક કહેવાય પણ દિલ્હીમાં ખરેખર એવું બન્યું છે.
સાક્ષીની ક્રૂર હત્યાએ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ને વિશેષ તો મહિલાઓની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા કર્યા છે.


સાક્ષી હિંદુ છે ને સાહિલ મુસ્લિમ છે તેથી આ મુદ્દો ચગે એવું પણ બને. હમણાં જ ધ કેરલ સ્ટોરી મૂવી પણ આવેલી છે તેથી લવ જિહાદની વાતો ને એ બધું તાજું તાજું છે. આ કારણે હિંદુઓના એક વર્ગમાં શંકા-કુશંકાઓ છે. તેમને મજબૂત કરીને ડર પેદા કરવા માટે આ ઘટનાનો ઉપયોગ કરાય એવી પૂરી શક્યતા છે. હિંદુઓનો એક વર્ગ પણ આવી વાતોમાં આવી જાય છે પણ એ લોકો સમજતા નથી કે તેનાથી આવી ઘટનાઓ રોકાવાની નથી.


ગઈ કાલે શ્રધ્ધા હતી, આજે સાક્ષી છે ને કાલે બીજી કોઈ છોકરી હશે. પોલીસમાં આવી ઘટનાઓ રોકવાની તાકાત જ નથી તેવું લાગી રહ્યું છે. ખાખીનો ખૌફ ધીરે ધીરે ઓછો થતો જાય છે.
છોકરીઓ સાથે આવી ક્રુરતા થાય કે તેના ઉપર દુષ્કર્મ થાય પછી, ઘરની અંદરના વડીલો, પાનની દુકાનમાં ઉભેલા લોકો અને મોટા રાજકારણીઓ સહિતના પડોશીઓના મોઢેથી આપણે વારંવાર સાંભળીએ છીએ કે છોકરીઓને રાત્રે એકલી ઘરની બહાર જવા દેવામાં આવતી નથી. ઘણા કલાકો. બહાર ન જવું જોઈએ અથવા છોકરીઓએ ટૂંકા કપડા ન પહેરવા જોઈએ. ગુના બાદ તમામ દોષ પીડિત યુવતીનો હોવાનું માનવામાં આવે છે. કારણ કે અપરાધ કરનાર વ્યક્તિથી માંડીને સમાજનો એક મોટો વર્ગ પુરુષલક્ષી વિચારસરણીમાં બંધાયેલો છે, તેથી જ મહિલાઓ મોટા ભાગના કેસોમાં તેમની સાથે થયેલા ગુના વિશે ન તો બોલી શકતી નથી કે જાણ પણ કરી શકતી નથી કારણ કે તેઓ જાણે છે કે તેમનો અવાજ ઉઠાવવાનો ભોગ તેમને સહન કરવું પડશે. અંતે, તે માણસે કરેલા ગુનાનું કારણ તેને પોતે જ જણાવવામાં આવશે અને આ બહાને તેના ઉઠવા, બેસવાના, કપડાં પહેરવાના કેટલાક અધિકારો તેની પાસેથી પરત લેવામાં આવશે. કેટલીક મહિલાઓ જે થોડા સમય પછી હિંમત કરીને અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, તેઓને એમ કહીને દબાવી દેવામાં આવે છે કે તે સમયે કેમ નહોતું કહ્યું, હવે આટલા વર્ષો પછી કેમ કહો છોઆવી ઘટનાએને રોકવા માટે લોકોએ બાંયો ચડાવવી પડે. લોકોએ થોડી હિંમત બતાવવી પડે, તો જ સ્થિતી સુધરશે, બાકી દિલ્હી પોલીસ તો રાજધાનીમાં રામરાજ લાવી રહી. છેક ૨૦૧૨માં નિર્ભયા કાંડ થયેલો ને ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી બનેલી આવી ઘટનાઓ યાદ કરશો તો પણ સમજાશે કે, દિલ્હી પોલીસને તો આ પ્રકારના કેસોમાં રસ જ નથી હોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application