જામનગરના દરેડમાં રહેણાંક ઝોનમાં પ્લોટમાં નિયમો નેવે મૂકી કારખાના ધમધમી રહ્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ખેલ તગડા ભાડે ચાલી રહ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં અનઅધિકૃત રીતે ધમધમતા આ કારખાનાને વીજ કંપનીએ ઔધોગીક જોડાણ કેમ આપ્યા તે પણ તપાસનો વિષય બન્યો છે. તાજેતરમાં ચાર ઔધોગીક એકમોને જીપીસીબીએ નોટીસ ફટકારી હતી. ભાડેથી ચાલતા કારખાનામાં પ્લોટ માલીકની પણ સંયુકત જવાબદારી થાય છે. ત્યારે નિયમો નેવે મૂકી ધમધમતા ઔધોગીક એકમોને મંજૂરી મેળવવા અને ગંદા પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવા સૂચના આપી સંતોષ માની લેવાતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગરમાં દરેડમાં ઔધોગીકની સાથે રહેણાંક વિસ્તાર પણ આવેલો છે. ત્યારે દરેડની પાછળ તથા આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આવેલા પ્લોટમાં મકાનને બદલે ઔધોગીક એકમો ધમધમી રહ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. નવાઇની વાત તો એ છે કે, દરેડમાં રહેણાંક ઝોનમાં જીપીસીબીની કોઇ પણ પ્રકારની મંજૂરી વગર આ કારખાના ધમધમી રહ્યા છે. આ સમગ્ર ખેલ તગડા ભાડા મેળવવા ચાલી રહ્યો છે. રહેણાંક ઝોનમાં અનઅધિકૃત રીતે ધમધમતા કારખાના દ્રારા નિયમ મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી મેળવવામાં આવતી નથી. આટલું જ નહીં ઔધોગીક ગંદા પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યો છે. આથી આ વિસ્તાર તથા રંગમતી નદીમાં પ્રદૂષણે માઝા મૂકી છે. તાજેતરમાં દરેડના શિવમ એસ્ટેટ પાસે તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સ્થળે કાર્યરત જય મહાદેવ ઇલેકટ્રોપ્લેટર્સ, ખોડલ ઇલેકટ્રોપ્લેટર્સ, વેવ ઇલેકટ્રોપ્લેટર્સ અને અન્ય એક નામ વગર ધમધમતા ઇલેકટ્રોપ્લેટર્સ એકમ દ્રારા ઔધોગીક ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર નીકાલ કરવામાં આવતું હોવાનો તથા જીપીસીબીનું ના વાંધા પ્રમાણપત્ર કે નિયમ મુજબ મંજૂરી ન લીધા વગર ધમધમતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી જીપીસીબી દ્રારા ચારેય એકમોને નીયમ મુજબ નોટીસ ફટકારાઇ હતી.
દરેડની પાછળ તથા આજુબાજુના રહેણાંક ઝોનમાં આ પ્રકારે મોટી સંખ્યામાં ઔધોગીક એકમો ધમધમતા હોવાનું ખુદ જીપીસીબીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છેે. આટલું જ નહીં દરેડ વિસ્તારમાં નિયમો નેવે મૂકી રહેણાંક ઝોનમાં મંજૂરી વગર ચાલતા કારખાના દ્રારા ઔધોગીક ગંદા પાણીનો પણ વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાને બદલે સીધો જીઆઇડીસીની ગટરમાં કે બહાર ખુલ્લામાં કરવામાં આવી રહ્યો છે. આથી આ વિસ્તારમાં તથા રંગમતી નદીમાં પ્રદૂષણે માઝા મૂકી છે. દરેડ રહેણાંક ઝોનમાં મોટા ભાગના કિસ્સામાં ઔધોગીક એકમો ભાડેથી ચાલી રહ્યા છે. આથી સંયુકત જવાબદારી પ્લોટ માલીકની પણ ગણવામાં આવે છે.
તદઉપરાંત જીપીસીબી દ્રારા નિયમો નેવે મૂકી ચાલી રહેલા કારખાના બંધ કરાવી દંડની વસૂલાત કરવામાં આવે છે. જેની સંયુકત જવાબદારી પ્લોટ માલીક ઉપર પણ આવે છે. ત્યારે રહેણાંક ઝોનમાં અને ભાડે આપેલા મોટા ભાગના ઔધોગીક એકમો કે જે નિયમોનો ઉલાળીયો કરી ધમધમી રહ્યા હોય અને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ત્યારે આ એકમોને નિયમ મુજબ જરૂરી મંજૂરી લેવા અને ઔધોગીક ગંદા પાણીનો નિકાલ કોમન ઇમ્ફયુલેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે કે પોતાની રીતે ટ્રીટમેન્ટ થકી કરવા તકેદારી રાખવાની સૂચના આપી જીપીસીબીએ સંતોષ માની લેતા અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ દરેડના આજુબાજુ અને પાછળના રહેણાંક ઝોન વિસ્તારમાં નિયમો નેવે મૂકી ધમધમતા કારખાનાને વીજકંપનીના અધિકારીઓએ ઔધોગીક જોડાણ કયાં આધારે આપ્યા તે પણ તપાસનો વિષય બન્યો છે. ત્યારે જો ભાડા માટે ચાલતા આ ખેલની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌંભાડ ખૂલે તેમાં બેમત નથી તેમ જીપીસીબીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
મંજૂરી વગર ચાલતા અને ગંદા પાણીનો નિકાલ કરતા ૫૩ કારખાના સામે કાર્યવાહી
દરેડ જીઆઇડીસી તથા અન્ય ઔધોગીક વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના અધિકારીઓ દ્રારા વર્ષ દરમ્યાન કરવામાં આવેલી તપાસ દરમ્યાન ૫૩ કારખાના સામે નિયમના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગંદા પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાની બદલે સીધો જીઆઇડીસીની ગટરમાં નિકાલ કરતા ૩૪ અને બોર્ડની મંજૂરી વગર ધમધમતા ૧૯ ઔધોગીક એકમનો સમાવેશ થાય છે. આ તમામ એકમોને નિયમ મુજબ નોટીસ ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી હતી.
મહીને ૮૦૦૦ થી ૪૦૦૦૦ સુુધી ભાડું, જીઆઇડીસીની ચૂકવવાની રેવન્યુ પણ ચોરીની ફરિયાદો..!
દરેડ તેમજ અન્ય ઔધોગીક વિસ્તારમાં રહેણાંક ઝોનમાં મંજૂરી વગર ભાડેથી કારખાના ધમીધમી રહ્યા છે. ત્યારે પ્લોટ માલીકો દ્રારા કારખાનેદારો પાસેથી મહીને રૂ .૮૦૦૦ થી ૪૦૦૦૦ સુધીનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ઔધોગીક એકમોએ નિયમ મુજબ જીઆઇડીસીને રેવન્યુ ચૂકવવાની થાય છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં જીઆઇડીસીને ચૂકવવાની થતી રેવન્યુની ચોરી કરવામાં આવી રહ્યાની ફરિયાદો પણ જોરશોરથી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application