BREAKING NEWS

ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે ચાંદી શુધ્ધ કરવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઈ

  • October 30, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે ચાંદી શુધ્ધ કરવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઈ

એલસીબી પોલીસે બે શખ્સોને દબોચ્યા : કેમીકલનો જથ્થો જપ્ત

ખંભાળિયા શહેર નજીક અહીંના એક સોની વેપારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાંદી શુદ્ધ કરવાની ફેક્ટરી ઊભી કરી માનવ જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા સબબ એલસીબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકરણમાં બે શખ્સોને દબોચી લીધા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં રંગ મહોલ સ્કૂલ સામે ડેરાફળી વિસ્તારમાં રહેતા અને ખંભાળિયા શહેર નજીકના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મારુતિ નગર ખાતે ફેક્ટરી ધરાવતા રૂપેશ રસિકભાઈ હંસરાજભાઈ કલોલિયા નામના ૪૫ વર્ષના સોની વેપારી યુવાને પૂર્વયોજિત રચી, પાસ પરમિટ વગર અહીં ચાંદી શુદ્ધ કરવાની ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી. વધુમાં જાહેર કરાયેલી વિગત મુજબ ચાંદી શુદ્ધ કરવા માટે કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ૨૮૦ લિટર નાઈટ્રીક્ટ એસિડ તથા ૩૫ લીટર હાઇડ્રોક્લોરિક એસિડ અને ૩૫ લીટર સલ્ફ્યુરિક એસિડ તેમણે પોતાની મારુતિ નગર સોસાયટીમાં આવેલી આ ફેક્ટરીમાં રાખ્યા હતા.

અહીં ચાંદી શુદ્ધ કરતી વખતે માનવ જિંદગી જોખમાય તેવી પૂરી શક્યતા હોય, આરોપી દ્વારા જામનગર ખાતે રહેતા અને કેમિકલ્સનો વેપાર કરતા કેતન કિશોરભાઈ જાવિયા (ઉ.વ. ૪૨)ની મદદથી આ સમગ્ર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવતી હોવાનું વધુમાં જાહેર થયું છે. વર્ષ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ઉપરોક્ત કાર્યવાહીની નોંધ બાદ વધુ તપાસ પછી બંને વેપારીઓ દ્વારા આ પ્રકારે ગુનાહિત કૃત્ય કરવા સબબ એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બંને આરોપીઓ સામે ધ પોઇઝન્સ એક્ટ તેમજ બી.એન.એસ. સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application