BREAKING NEWS

દુષ્કાળગ્રસ્ત હાલારના ખેડૂતો પર માવઠાનો માર: દિવાળી બગડી

  • November 02, 2026 12:13 PM 

દુષ્કાળગ્રસ્ત હાલારના ખેડૂતો પર માવઠાનો માર: દિવાળી બગડી

આર્થિક ફટકો: પિયત માટે પાણીની તંગીથી ઓછા વાવેતર વચ્ચે અચાનક માવઠાથી તૈ્યાર પાકને વ્યાપક નુકશાનથી ખેડુતોની મુશ્કેલી બેવડાઇ

ભાણવડ, ભાટીયા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રાફા સહિતનાં વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ: ખેતરોમાં મગફળીના પાથરા અને પાક પલળી જતા  ખેડુતોને પડયા પર પાટુ

સૌરાષ્ટ્રની સાથોસાથ સમગ્ર હાલારમાં નહિંવત વરસાદને કારણે ખેડુતો મુશ્કેલીમાં હતા જ અધુરામાં પુરુ શનિવારે બપોરે હાલારનાં ભાણવડ, કલ્યાણપુર, ભાટીયા, જામજોધપુર સહિતના પંથકમાં કમોસમી વરસાદ એકાએક ખાબકતા ખેડુતોનો હાલ-બેહાલ થઇ જવા પામ્યા છે. 

શનિવારે હાલારના ભાણવડ, કલ્યાણપુર, ભાટીયા, જામજોધપુર સહિતના તાલુકામાં એકાએક બપોર બાદ હવામાને પલ્ટો લીધો હતો અને ભાણવડમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાથરેલો પાક પલળી જવા પામ્યો હતો અને ખેડુતોને પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ હતી. 

દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર, ભાટીયા, ભાણવડ, જામજોધપુર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાતા તેજ પવન સાથે માવઠુ થયુ હતું. કલ્યાણપુર, ભાટીયા, કેનેડી, ખાખરડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, એક તરફ દુષ્કાળની સ્થિતિ અને પિયતના પાણી માટે તંગી વચ્ચે એકાએક માવઠુ પડતા ખેતરોમાં ખુલ્લામાં પડેલા પશુચારા અને મગફળીના પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે. કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકમાં નુકશાનથી ખેડુતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

હાલારના જામજોધપુર તાલુકાના ધ્રાફા, વાલાસણ, સીદસર, આંબરડી, કોટડા બાવીસી, સહિતના ગામોમાં શનિવારે એકાએક હવામાનમાં પલ્ટો થયો હતો અને કમોસમી વરસાદ પડતા જાણે ચોમાસુ હોય તેમ ધ્રાફાની શેરીઓમાં પાણી વહ્યા હતા. એકાએક માવઠુ પડતા ખેડુતોની સ્થિતિ કપરી બની જવા પામી હતી. ચોમાસામાં કાગડોળે વરસાદે રાહ જોવડાવ્યા બાદ નહિંવત વરસાદથી ખેડુતોને પાક માટે પાણીની તંગી સર્જાઇ છે, ત્યારે  કમોસમી વરસાદ ખાબકતા સમગ્ર પંથકના ખેડુતોને ડબલ આર્થિક ફટકો પડયો છે. 

દિવાળીના તહેવારો ખુબ જ નજીક છે ત્યારે હાલારના ખેડુતો માટે આ દિવાળીનો તહેવાર હોળી જેવો બની જવા પામ્યો છે. રાજય સરકાર દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે માવઠાનો માર પડતા ખેડુતોના પરિવારજનોની દિવાળીનો તહેવાર બગડી જવા પામ્યો છે. ખાસ કરીને ભાણવડ પંથકમાં શનિવારે કરા પડયા હતા. જેને કારણે વ્યાપક નુકશાની થવા પામી છે. ભાટીયા પંથકમાં અડધો ઇંચની આસપાસ વરસાદ પડયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. 

કલ્યાણપુર તાલુકામાં શનિવારે બપોરે આશરે બે વાગ્યાના સમય એકાએક વાતાવરણ પલટાયું હતું અને ઘટાટોપ માહોલ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કલ્યાણપુર તાલુકાના રાજપરા, ખાખરડા, ભાટિયા સહિતના જુદા જુદા ગામોમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો જાણે નદી બન્યા હતા. વીજળીના ગડગડાટ સાથે આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રાખવામાં આવેલા પથરા તેમજ પશુ ખોરાક પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

લાલપુર તાલુકાના ભણગોર ખાતે પણ કમોસમી વરસાદ પડયો હતો સમગ્ર પંથકમાં ખેડુતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઇ છે. દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડયો હોવાથી પિયત માટે પાણી, ઢોરના ઘાસચારા અને લોકો માટે પણ પીવાના પાણીની સ્થિતિ દયનીય બની છે. ભાણવડ અને ભાટીયા પંથકમાં ખેડુતોની મગફળીનો પાક ખેતરમાં ખુલ્લામાં પડયો હતો ખેડુતોને સપનામાં પણ માવઠાની કલ્પના ન હતી અને એકાએક શનિવારે માવઠુ ત્રાટકતા ખેડુતોને ડબલ આર્થિક ફટકો પડી જવા પામ્યો છે. 

કાલાવડ તાલુકાના જસાપર, રાજસ્થળી, છાપરા, જીવાપર, સહિત કાલાવડ શહેરમાં પણ શનિવારે બપોરે એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને જાણે ચોમાસાની મોસમ રીટર્ન થઇ હોય તેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર વિસ્તારમાં અડધોથી વધુ ઇંચ કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોની સ્થિતિ કફોડી બની જવા પામી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application