મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં ખંભાળિયા ખાતે ઉજવાયો "કિસાન ઉત્સવ"
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૮ હજારથી વધુ ખેડૂત કુટુંબોને ૧૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું
ધારાસભ્ય મુળુભાઇ બેરા, સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, જિલ્લા કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં એ.પી.એમ.સી. ખાતે યોજાયો કાર્યક્રમ
મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક વિતરીત કરાયાં
ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ એ.પી.એમ.સી. ખંભાળિયા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
પી.એમ. કિસાન સમ્માન નિધિના ૨૪માં હપ્તાની ચૂકવણીનો કાર્યક્રમ બનાસકાંઠા ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. જેની સાથે સાથે દેવની દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ કિસાન સમ્માન દિવસ કાર્યક્રમો દ્વારા ખેડૂતો આ મુખ્ય ઉજવણી સાથે જોડાયાં હતા. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૮ હજારથી વધુ ખેડૂત કુટુંબોને ૧૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું હતું.
એ.પી.એમ.સી. ખાતે કાર્યક્રમની શરૂઆત મંત્રી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતો. એ.પી.એમ.સી. વતી અગ્રણી પી.એસ. જાડેજા અને હોદ્દેદારોએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ ગામોના ખેડૂતોને ટ્રેક્ટર, રોટાવેટર વગેરે કૃષિ યાંત્રિક સાધનોની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને કિસાન કલ્યાણ યોજનાઓ, ફાર્મર રજિસ્ટ્રી, પ્રાકૃતિક ખેતીને લગતા વિડિઓ દર્શાવવામાં આવ્યાં હતાં. વિવિધ સ્ટોલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સ્વ સહાય જૂથ, બેંક, વગેરેના સ્ટોલ દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મહાનુભાવો ખેડૂતો સાથે પ્રધાનમંત્રીના લાઇવ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીનું ઉદબોધન નિહાળ્યું હતું.
આ પ્રસંગે સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણજારિયા, અગ્રણી મયુરભાઇ ગઢવી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કે.પી. જોષી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.