જામનગર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થતાં ખેડૂતોને રાહતની આશા...પૂર્વ કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની રજૂઆતને સફળતા મળી...
જામનગર સહિત ગુજરાતના ચાર જિલ્લાઓને મુખ્યમંત્રી દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતાં વરસાદની ખેંચનો સામનો કરી રહેલા ખેડૂતો અને માલધારીઓમાં રાહતની આશા જાગી છે.
ચાલુ વર્ષે જામનગર સહિત હાલાર પંથકમાં પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતો અને માલધારીઓની પરિસ્થિતિ કફોડી બની હતી. વરસાદની અછતને કારણે ખેતીના પાક અને પશુધનના નિભાવને લઈને ચિંતિત ખેડૂતોએ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.
ખેડૂતોની રજૂઆતને પગલે રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી. આખરે જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવાતાં તેમની રજૂઆતને સફળતા મળી છે.
સરકારના આ નિર્ણયથી વરસાદની ખેંચને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો અને માલધારીઓને સરકારી સહાય તથા રાહત મળવાની આશા જાગી છે. હવે દુષ્કાળની પરિસ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાય અને રાહતનો લાભ ખેડૂતો તથા માલધારીઓ સુધી પહોંચે તે અંગે સૌની નજર રહેશે.