BREAKING NEWS

દ્વારકામાં જીએસપીએલ કંપની સામે ખેડૂતોનું આંદોલન વધુ તેજ: ભૂલકાંઓ મેદાને

  • August 03, 2026 12:08 PM 

દ્વારકામાં જીએસપીએલ કંપની સામે ખેડૂતોનું આંદોલન વધુ તેજ: ભૂલકાંઓ મેદાને

પાકના રક્ષણ અને જમીન બચાવવા બાળકોએ હોડીંગ્સ લઇ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો

દ્વારકા વિસ્તારમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. પોતાના ખેતરોમાં ઉભા પાક પર ચાલતા જેસીબી અને જમીન સંપાદનની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતો છેલ્લા સાત દિવસથી ખેતરોમાં જ છાવણી નાખીને અડગ બની વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ આંદોલનમાં ગઈકાલે રવિવારે એક નવો અને ભાવુક વળાંક જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક શાળાના બાળકો પણ ખેડૂત પિતા અને પરિવારના સમર્થનમાં અન્યાય સામે અવાજ ઉઠાવવા જોડાણા હતા. બાળકોએ ગેસ પાઇપલાઇન અને વીજ લાઇન કંપનીઓની નીતિઓનો જોરદાર વિરોધ કર્યો હતો. હાથમાં વિવિધ બેનરો અને અનોખા સ્લોગન સાથે બાળકોએ કંપનીઓ અને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

બાળકોના હાથમાં રહેલા હોડીંગ્સમાં રોટલી કોમ્પ્યુટરમાં ક્યારેય ડાઉનલોડ નહીં થાય, ખેડૂતોની શાન છે કિસાન, ખેડૂતોના ભોગે જ વિકાસ શા માટે?, ખેડૂત છે તો અનાજ છે અને મારા માતા-પિતા કહે છે: જાન આપીશું પણ જમીન નહીં જેવા સ્પર્શી જતા સૂત્રો લખાયેલા હતા. આ ઉપરાંત, બાળકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કાયદાઓ માત્ર સામાન્ય ખેડૂતો માટે જ છે, કંપનીઓ માટે નહીં?

ખેડૂતો અને બાળકોએ એકસૂરે માગ કરી છે કે ઉભા પાકમાં જેસીબી ચલાવીને થતું નુકસાન અટકાવવામાં આવે અને  કંપની પોતાની મનસ્વી કામગીરી તાત્કાલિક બંધ કરે. જમીન અને ખેતી બચાવવા માટે આખું ગામ એકજૂથ થયું છે અને જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ જલદ બનાવવાની તાકીદ પણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application