દેવભૂમિ દ્વારકા: રવિ ઋતુ ૨૦૨૬-૨૭ દરમ્યાન સુઆયોજિત વાવેતર કરવા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા કરાયો અનુરોધ
ચાલુ રવિ ઋતુ ૨૦૨૬-૨૭ દરમિયાન બદલાતી આબોહવા, ચોમાસાના વરસાદની અનિયમિતતા અને જળાશયોમાં પાણીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને સુઆયોજિત રીતે રવિ પાકોનું વાવેતર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખેડૂતો પોતાના ખેતરમાં ઉપલબ્ધ પિયતના સ્ત્રોત અને પાણીની ઉપલબ્ધતા મુજબ યોગ્ય પાકની પસંદગી કરી ખેતીનું આયોજન કરે તે જરૂરી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખરીફ પાકની લણણી બાદ સમયસર જમીન તૈયાર કરી જમીનમાં રહેલા ભેજનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. વાવણી પહેલાં બિયારણને ભલામણ મુજબ ફૂગનાશક અને કીટકનાશક દવાઓની માવજત આપવાની સાથે રાઈઝોબિયમ અને પીએસબી જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
વાવણી દરમિયાન બીજનો દર ૧૫થી ૨૦ ટકા વધારવો અને બે હાર વચ્ચેનું અંતર ઘટાડવા અંગે પાક અને કૃષિ નિષ્ણાતોની ભલામણ મુજબ આયોજન કરવું જોઈએ. હવામાન વિભાગની આગાહી તથા કૃષિ યુનિવર્સિટીઓની ભલામણોને ધ્યાનમાં રાખીને વાવણી અને પિયતનું આયોજન કરવું પણ જરૂરી છે.
પાણીની અછતની પરિસ્થિતિમાં ખુલ્લા ધોરિયાથી પિયત આપવાને બદલે ટપક અથવા સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી અંદાજે ૩૫થી ૫૦ ટકા સુધી પાણીની બચત થઈ શકે છે. જમીનમાં ભેજ જાળવી રાખવા પાકના અવશેષોનું મલ્ચિંગ કરવું, પિયત આપ્યા બાદ વરાપ થયે હળવી આંતરખેડ કરવી અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાયો જમીનની ભેજધારણ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.
ખેતીવાડી વિભાગ દ્વારા રવિ ઋતુમાં વિવિધ પાકોની ભલામણ કરાયેલી જાતોનું વાવેતર કરવા જણાવાયું છે. જેમાં ચણામાં ગુજરાત ચણા-૧, ૨, ૫, ૭, ૮ અને ૧૪, બિનપિયત માટે ગુજરાત ચણા-૬ તથા ગુજરાત જૂનાગઢ ચણા-૩ અને ૬નો સમાવેશ થાય છે. રાયડામાં ગુજરાત રાયડો-૭, ૮ અને જી.ડી.એમ.-૪, જીરામાં ગુજરાત જીરું-૪, ધાણામાં ગુજરાત ધાણા-૪ તથા અડદમાં જી.યુ.-૨, ૩ અને ૪ની જાતોનો સમાવેશ થાય છે. ઘણામાં ગુજરાત ધાણા -૪ જાતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મકાઈમાં ગુજરાતમાં આણંદ પીળી મકાઈ સંકર ૩, આફ્રિકન ટોલ, આણંદ ટોલ ,સુવામાં જી.એ.ડી.-૧ અને જી.ડી.-૩; અજમામાં ગુજરાત અજમો-૨ અને ૩; ચોળામાં ગુજરાત શાકભાજી ચોળી-૯;વાલ અને પાપડીમાં જી.એન.આઈ.બી.-૨૧ તથા ગુજરાત વાલ-૨; જ્યારે રાજગરામાં જી.એ.-૫ અને ૬ જાતોનું વાવેતર કરવા સૂચવાયું છે.
ઘાસચારાના પાકો માટે પશુધન ઘાસચારાની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે રજકામાં આણંદ-૨, ઓટમાં કેન્ટ (Kent), જુવારમાં જી.એફ.એસ.-૫, ૬ અને ૭ તથા સી.એસ.વી.-૨૧એફ અને ૪૬એફ તેમજ નેપિયર ઘાસમાં સીઓ-૪ જાતનો ઉપયોગ કરવા જણાવાયું છે.
અંતમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને પોતાની જમીનનો પ્રકાર, ઉપલબ્ધ પિયતનું પાણી અને સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખીને રવિ પાકોનું વાવેતર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ગ્રામ પંચાયત ખાતેના ગ્રામસેવક અથવા તાલુકા અને જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.