જામનગર: કાલાવડ નજીક ક્રેટા અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત
બે લોકોને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા : કારચાલક સામે રાવ
કાલાવડ તાલુકાના છત્તર અને અરલા ગામ વચ્ચે આવેલા ધોરી માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેટા કાર અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. છત્તર ગામ નજીક બનેલી આ ઘટનામાં મોટરસાયકલ પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
મોટાભાડુકીયા ગામમાં રહેતા મુળ એમપીના વિપુલ ચનાભાઇ ભાંભોર (ઉ.વ.૨૧)એ ગ્રામ્ય પોલીસમાં ક્રેટા કાર નં. જીજે૧૦ઇએચ-૦૨૭૮ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે તા. ૨ સવારના ફરીયાદી પોતાના બનેવીના ભાઇ કાળુભાળ સાથે મોટરસાયકલ નં. જીજે૩ડીએમ-૨૪૩૦ પાછળ બેસીને કાલાવડ આવતા હતા, છતરના પુલીયા પાસે પહોચતા સામેથી ક્રેટા કારના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને ઠોકર મારી હતી જેમાં બાઇકમાં સવાર બંનેને પછાડી દઇ ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી હતી.