જામનગરના એક બિલ્ડરને લેન્ડ ગ્રેબીંગના ખોટા કેસમાં સંડોવી દેવાનો ડર બતાવી રૂ. ૫૦ લાખની ખંડણી માગ્યાની વિશાલ કણસાગરા નામની આઇડી ધારક તથા અન્ય બે સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં બે શખસોની પુછપરછ કરતા નાણાકીય વ્યવહારો બાબતે વિગતો સામે આવતા બંનેની ધરપકડ કરીને અદાલતમાં રજુ કરતા કોર્ટે બંને શખ્સોને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જામનગર શહેરના સ્મિત જેન્તીભાઇ પરમાર નામના યુવકે વિશાલ કણસાગરા આઇડી ધારક તથા પરસોતમ મહેન્દ્ર પરમાર તથા તપાસમાં જે ખુલે તેની સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેને તા. ૨૪ ડીસેમ્બરે મિત્ર મહેશભાઇ કણજારીયા ઉર્ફે મહેશ ભુવાજી એ વાત કરી હતી કે પરસોતમભાઇ પરમાર તેને જણાવતો હતો કે આવતીકાલે તા. ૨૫ ડીસે. ના રોજ સ્મિત પરમારની પણ વિશાલ કણસાગરા નામની ફેસબુક આઇડી ઉપર બનાવટી સ્ટોરી આવવાની છે.
દરમિયાન બીજા દિવસે તા. ૨૫-૧૨-૨૫ કરો તૈયારી મામેરાની રાજ ક્ધસ્ટ્રકશન સુમિત જેન્તીલાલ પરમાર, નિતીન જેન્તીલાલ પરમાર... એવી પોસ્ટ જોવામાં આવેલ જે મામલે પરસોતમને ફોન કરતા તેને કહયુ કે પતાવવું હોય તો આ આઇડી ધારકને ઓળખુ છુ બાદમાં ફેસબુક આઇડી ધારકે સોશ્યલ મીડીયા કોલમાં વાત કરીને કહયુ કે મારો તો આ ધંધો છે તમારે પતાવવું હોય તો ૫૦ લાખ રૂપીયા આપવા પડશે.
બાદમાં આ પ્રકરણમાં ખોડુભાઇ નામના સબંધીએ વિશાલ કણસાગરા આઇડી ધારક સાથે વાત કરતા મામલો રૂ. ૨૩ લાખમાં સેટલ થયો હતો. પરસોતમ જવાબદારી લેતો હોય તો પોસ્ટ ડીલીટ કરે છે. બીજા દિવસે તા. ૨૬-૧૨-૨૫ના રોજ વિશાલ કણસાગરા નામની આઇડી ઉપરથી સ્મિતને ફેસબુકમાં ફોન આવ્યો અને એવી વાત કરી હતી કે તમારા કાળા કૌભાંડનો કાચો ચિઠ્ઠો મારી પાસે આવી ગયો છે.
લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફીટ ન થવું હોય તો પરસોતમને વાત કરી છે તે મુજબ રૂપીયા ૨૩ લાખ જુનાગઢ મોકલાવી આપો. નહીતર હું કોઇપણ વ્યકિતને તમારી વિરુઘ્ધ લેન્ડ ગ્રેબીંગની ખોટી ફરીયાદ કરવા ઉભો કરીશ. તેમ આઇડી ધારકે જણાવ્યુ હોવાનું ફરીયાદના અંતે જણાવ્યુ છે. જો કે બિલ્ડરે આ મામલે પોલીસની મદદ લેતા જ પોલીસે પરસોતમ મહેન્દ્ર પરમાર અને હેમંત કણસાગરા નામના બે શખ્સોને પકડી પાડીને પુછપરછ કરીને અદાલતમાં રજુ કર્યા બાદ અદાલતે બંનેને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જામનગરના એક બિલ્ડર અને ધારાસભ્ય દ્વારા સાયબર પોલીસ મથકમાં વિશાલ કણસાગરા નામ આઇડીધારક સામે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ ચલાવવામાં આવી રહી છે, દરમ્યાનમાં વધુ એક મામલો સાયબર પોલીસમાં પહોચતા આ પ્રકરણમાં ફરીયાદ આધારે બે ની અટકાયત કરી લેવામાં આવી છે અને આઇડીધારક તરફ તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application