જામનગરમાં આસ્થા, અકીદત અને અમન વચ્ચે આશુરાનું પર્વ સંપન્ન: ઠેર ઠેર ઝુલુસ નીકળ્યા
જામનગર શહેર કાલાવડ, ખંભાળીયા, જામજોૂધપુર, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર ભાણવડ સહિતના શહેરોમાં કલાત્મક તાજીયાના જુલુસમાં હજારો લોકો ઉમટયા: બેડી વિસ્તારમાં મસ્જીદની પ્રતિકપ સમાન ડેકોરેટેડ સેટ ઉભો કરાયો: આઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની બાઝ નજર
હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં મહોર્રમ માસના આશુરા પર્વની ગઇકાલે જામનગરમાં શ્રદ્ધા, અકીદત અને ગમગીની ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિૂધ મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરોએ ખાસ નમાઝ પઢી હતી, જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, જામજોૂધપુર, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર ભાણવડ સહિતના તાલુકા મથકોએ પણ યા હુશેનનાં નારા ગુંજી ઉઠયા હતા. કેટલાક વિસ્તારોમાં વિવિધ રંગબેરંગી રોશની, અદભૂત ડેકોરેશન અને કલાત્મક શણગારથી સજ્જ નાના મોટા તાજીયા નીકળ્યા હતા. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેડી વિસ્તારમાં મસ્જીદની પ્રતિકપી સમાન ડેકોરેટેડ સેટ ઉભો કરવામાં આવ્યો હતો.
ગઇકાલે મુસ્લીમોનાં મહોર્રમના શહાદત અને માતમના તહેવાર નિમિતે ખોજા ગેઇટથી મદ્રેસા રોડ, રંગુનવાલા હોસ્પિટલ રોડ, અકબરશા મસ્જીદ રોડ, ચાંદીબજાર, દિપક ટોકીઝ, ટાઉનહોલ, જી.જી. હોસ્પિટલના સામેના વિસ્તારમાં તેમજ બેડી, જોડીયા ભુંગા, માધાપર ભુંગા, અને ગઢની રાંગના વિસ્તારોમાં તાજીયા નીકળ્યા હતા. હિન્દુ ભાઇઓએ પણ તાજીયાને નમન કરીને શ્રીફળ વધેર્યા હતા.
મહોર્રમ નિમિતે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઇજી નિર્લિપ્તરાય, એસપી ડો. રવિમોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓએ સતત વોચ રાખી હતી અને કોઇપણ જાતનુ તોફાન ન થાય તે માટે ડ્રોન કેમેરાથી પણ મોનીટરીંગ કર્યું હતું. ડીવાયએસપી, એલસીબી કચેરીનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ પણ સતત સાથે રહ્યો હતો. અધિકારીઓએ કેટલાક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ પણ કર્યું હતું.
ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરમાં નવ જેટલા તાજીયા પડમાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા. પીંજારા સાઠી જમાત, સંધી જમાત, માજોઠી જમાત, પઠાણ જમાત, કુરેશી જમાત, હૈદ્રી જમાત, મતવા જમાત, ચાંદાણી જમાત, મકરાણી જમાતના તાજીયા પડમાં આવ્યા હતા અને હિન્દુ મુસ્લીમ ભાઇઓએ શ્રીફળ વધેર્યા હતા. સાંજે તાજીયા ટાઢા થઇને વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાયા, વાડીનાર, પીર લાખાસર, કોટા આંબલા, નાના મોટા જેવા ગામોમાં ઉપરાંત તાલુકા મથકોએ તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા.
જામનગરમાં જામસાહેબે આપેલો ચાંદીનો તાજીયો વિખ્યાત છે. તેના દર્શન કરવા લોકો ઉમટી પડયા હતા. મોડી રાત્રે લોકોએ અશ્રુભીની આંખે દુઆ માંગી હતી, તાજીયાના રૂટમાં આઇસ્ક્રીમ, પાણી, સરબત લોકોને આપવામાં આવ્યું હતું. આમ જામનગર સહિત સમગ્ર હાલારમાં તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. જામનગરમાં ખાસ કરીને કેટલાક સ્થળોએ આસ્થાના પ્રતિક સમાન તાજીયાના દીદાર કરવા માટે રસ્તાની બંને બાજુએ મુસ્લિમ અને હિન્દુ ભાવિકો ઉમટી પડયા હતા. અને ન્યાઝ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.