જામનગરમાં મેહુલનગરમાં આવેલા મહાનગરપાલીકાના એકમાત્ર સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં અગાઉ બાળકો માટે રાઇડસ ફીટ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ ટીઆરપી ગેમઝોનની આગની ઘટના બાદ રાઇડસની નવી કડક એસઓપી આવી હતી. આટલું જ નહીં જુની રાઇડસ હતી તે કોન્ટ્રાકટમાં ભાવ વધારાનું કોકડું પણ ગુંચવાયું હતું. આથી છેલ્લા થોડા વર્ષોથી રાઇડસ બંધ થઇ હતી.આથી શહેરમાં મનપાના એકમાત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકો રાઇડસની મોજ માણી શકતા ન હતાં. પરંતુ નવી રાઇડસ અંગે ટેન્ડર સહીતની જરૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં લાંબા સમય બાદ એમ્યુમેન્ટ પાર્કમાં આખરે નવી રાઇડસ આવી છે. આથી હવે બાળકો પુન: એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડસની મોજ માણી શકશે. નવી રાઇડસ આવતા શહેરીજનોમાં રાહતની સાથે આનંદની લાગણી ફેલાઇ છે.