BREAKING NEWS

જામનગરના પટેલ કોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ : ૨૦ ફ્લેટોના મીટરો સળગી ઉઠ્યા

  • May 04, 2026 10:49 AM 

જામનગરના પટેલ કોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ : ૨૦ ફ્લેટોના મીટરો સળગી ઉઠ્યા


ફાયર બ્રિગેડ ની ટુકડીએ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ સમયસર આગ પર કાબૂ મેળવ્યો હોવાથી સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ઇલેક્ટ્રિક મીટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.


આ આગના બનાવમાં એક વિંગમાં આવેલા અંદાજે ૨૦ જેટલા ફ્લેટોના રહેવાસીઓના નીચે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક મીટરો સળગી ઉઠ્યા હતા. ઘટનાના સમયે પાર્કિંગ વિસ્તારમાં ધુમાડો અને આગજની નો માહોલ સર્જાતા ફ્લેટમાં રહેતા રહેવાસીઓ તાત્કાલિક નીચે ઉતરી આવ્યા હતા.


આ બનાવ અંગે એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઈ કોટેચા એ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસર અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ સવારે લગભગ ૮:૪૦ વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.


ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ સુરક્ષાની દ્રષ્ટિએ ૨૦ જેટલા ફ્લેટોનો વિજ પુરવઠો બંધ કરાવી ખાલી કરાવ્યા હતા, અને ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ ઉપરના માળ સુધી ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી.


આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે ઇલેક્ટ્રિક મીટરો અને સંબંધિત સામાનને નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ સમયસર બચાવ થવાથી રાહતનો શ્વાસ લીધો હતો.


આ બનાવને પગલે વિસ્તારના લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પીજીવીસીએલની ટીમે દોડી જઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


આ એપાર્ટમેન્ટમાં કુલ જુદી જુદી ત્રણ અને તેમાં ૬૦ ફલેટ આવેલા છે, જેમાં પ્રથમ વિંગ માં મીટર સળગ્યા હતા. જો કે બાકીના અન્ય બે વિંગમા કોઈ નુકસાની થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application