BREAKING NEWS

જામનગરમાં પંચવટી સોસાયટીમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટ ના બીજા માળે એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગતાં ભારે દોડધામ

  • April 27, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પંચવટી સોસાયટીમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટ ના બીજા માળે એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગતાં ભારે દોડધામ


આગના કારણે ફ્લેટમાં રહેલી પ્લાસ્ટિકની ચીજ વસ્તુ કપડા વગેરે બળીને ખાખ થયા: ફાયરે પાણીના બે ટેન્કરથી આગને કાબુમાં લીધી


આગ ના કારણે ફ્લેટમાં એકલવાયું જીવન જીવતા ૫૫ વર્ષ ના પ્રૌઢ ભડથું થઈને મૃત હાલતમાં મળી આવ્યા: ફાયરે પોલીસને સોંપ્યા


આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય ફ્લેટમાં આગ પ્રસરતા અટકી હતી, જેના કારણે અન્ય રહેવાસીઓ હાશકારો અનુભવ્યો


જામનગર તા ૨૭,જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલોયા એપાર્ટમેન્ટ ના બીજા માળે એક ફ્લેટમાં આજે વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. જે આગના કારણે ફ્લેટની અંદર રહેલા કપડા - પ્લાસ્ટિકનો સામાન વગેરે બળીને ખાખ થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીના બે ટેન્કર વડે આગને સમયસર કાબુમાં લઈ લેતાં આગ આસપાસના અન્ય ફ્લેટમાં પ્રસરતી અટકી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ આગના કારણે ફ્લેટમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા ૫૫ વર્ષના પ્રૌઢ ભડથું થઈને મૃત્યુ પામ્યા હતા. ફાયર બિગેડ મૃતદેહનો કબજો સંભાળી પોલીસને સુપ્રત કર્યો છે, અને સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


જામનગર ના ફાયર કંટ્રોલ રૂમને આજે વહેલી સવારે ૫.૪૦ વાગ્યે મળેલી માહિતીના આધારે પંચવટી સોસાયટી, ખેતલા આપા પાસે આવેલ જૂના જાસોલીયા એપાર્ટમેન્ટ (જી.-૨ માળનું મકાન)ના બીજા માળે આવેલ ફ્લેટમાં લાગેલી આગ અંગે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચતા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હોવાથી તેને તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.


ફ્લેટની અંદર મોટી માત્રામાં કપડાં તથા અન્ય જ્વલનશીલ સામાન સળગી રહ્યો હતો, જેને કાબૂમાં લેવા માટે બે ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી, જેથી આગ આજુબાજુના મકાનોમાં ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી જતા અન્ય કોઈ મકાનોને નુકસાન પહોંચ્યું નથી અને સ્થાનિક રહેવાસીઓમાં રાહતનો માહોલ સર્જાયો હતો.


આ દરમિયાન ફ્લેટની અંદર તપાસ કરતા ગોવર્ધનભાઈ (ઉંમર આશરે ૫૫ વર્ષ) નામના વ્યક્તિનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ તેઓ આગ લાગ્યા બાદ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ બહાર નીકળી શક્યા ન હતા. બાદમાં તેમના મૃતદેહને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને સિટી બી. ડિવિઝન પોલીસ ને જાણ કરી હતી.


આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક બીડી પીવાની ટેવ વાળા હતા, તેથી બીડી નો તણખો પડવાને કારણે કદાચ આગ લાગી હોય, અથવા તો ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય જે બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application