દ્વારકા: નાગેશ્વર-મૂળવાસર રોડ પર ઓખાપાલિકાની ફાયરબ્રિગેડની ગાડી પલટી
ભેંસોના બચાવ દરમિયાન બન્યો અકસ્માત : ક્રેન-હિટાચીની મદદથી બહાર કઢાઈ
જામનગરથી ઓખા તરફ જઈ રહેલી ઓખા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ગાડી નાગેશ્વર-મૂળવાસર ગામ વચ્ચેના માર્ગ પર અકસ્માતનો ભોગ બની હતી. રસ્તા પર આવેલી ભેંસોના બચાવ માટે ફાયરબ્રિગેડની ટીમ કામગીરી કરી રહી હતી ત્યારે ગાડી અચાનક રોડની સાઇડ પરથી નીચે ઉતરી જઈ પલટી ગઈ હતી.
ફાયરબ્રિગેડની ગાડી પલટી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અકસ્માત બાદ ગાડીને બહાર કાઢવા માટે ફોર્કલિફ્ટ, ક્રેન અને હિટાચી સહિતના ભારે સાધનોની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ પણ સ્થાનિક લોકો સાથે મળીને ગાડીને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
સદનસીબે, પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ગાડી બહાર કાઢવાની કામગીરી લાંબા સમય સુધી ચાલી હતી, જેના પગલે નાગેશ્વર-મૂળવાસર માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા હતા.