જામનગર શહેર-જીલ્લામાં યમરાજનું કાળચક્ર : આપઘાતની પાંચ ઘટના
ફલ્લા વાડીમાં ૧૩ વર્ષીય બાળકીનું અચાનક બેભાન થતા મૃત્યુ : કાના છિકારી ગામની સીમમાં બેટરી પ્લાન્ટમાં વૃઘ્ધ કામદારનું હૃદય બંધ પડી ગયું : હાપા રેલવે કોલોનીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : પૈસાની લેતીદેતીનું લાગી આવતા વૃઘ્ધે વખડા ધોળ્યા : આર્થીક તંગીના કારણે નાગેશ્ર્વરના યુવાને જીવતર ટુકાવ્યું : જામવાડીમાં પત્ની સાથે ઝઘડા બાદ યુવાને કુવો પુર્યો
જામનગર શહેર-જીલ્લામાં યમરાજનું કાળ ચક્ર ફરી વળ્યુ હોય તેમ ૩ દિવસ દરમ્યાન અપમૃત્યુના સાત બનાવ નોંધાયા છે, જેમાં જામનગર તાલુકાના ફલ્લા ગામે વાડીમાં રહેતી ૧૩ વર્ષીય બાળકીનું અચાનક બીમાર પડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે લાલપુર તાલુકાના કાના છિકારી ગામની સીમમાં આવેલા બેટરી પ્લાન્ટમાં એક શ્રમિકનું મૃત્યુ થતાં મેઘપર-પડાણા પોલીસ મથકમાં અકસ્માતે મોત અંગેની નોંધ કરવામાં આવી છે. જયારે રણજીતસાગર રોડ પર પૈસાની લેતીદેતીનું લાગી આવતા વૃઘ્ધ આપઘાત કરી લીધો હતો, નાગેશ્ર્વરમાં આર્થીક તંગીના કારણે યુવાને જીવતર ટુકાવ્યુ હતું, જામવાડીમાં પત્ની સાથે ઝઘડા બાદ યુવકે કુવો પુર્યો હતો તેમજ સોગઠી ગામમાં ઝેરી દવા પી પરપ્રાંતીય પરણીતાએ મોત મીઠુ કરી લીધુ હતું.
મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના છોટી ઉતી ગામની વતની અને હાલ ફલ્લા ગામે કેશુભાઈ કાનાણીની વાડીમાં ખેતમજૂરી કરતા લાલુભાઈ ડુંગરસિંહ મહેડાની પુત્રી આશાબેન (ઉ.વ. ૧૩) શાળામાં અભ્યાસ કરતી હતી. ૨૪ના રોજ શાળાએથી અભ્યાસ કરીને વાડીમાં આવેલા ઘરે પરત ફર્યા બાદ તેને ઊલટી-ઉબકા થવા લાગ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી.
બાળકીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચકોશી-એ ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં અસમાન રામ સુંરત રામ (ઉંમર ૫૨), મૂળ બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશ સીમ વિસ્તારમાં આવેલી એલસી-૯ કોલોનીમાં રહેતા હતા. તેઓ મજૂરીકામ કરતા હતા. તા. ૨૩ના રોજ બપોરે ૧:૩૦ વાગ્યા પહેલાંના કોઈ સમયે તેઓ કામ પર જતા હતા ત્યારે છાતીમાં દુખાવો થતાં બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ, હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે હાલ એલસી-૯ ખાતે રહેતા કનૈયાસીંગ રાધામોહન દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં જામનગરના હાપા રેલવે કોલોની વિસ્તારમાં રવિચંદ્ર પ્રકાશભાઈ કોટાઈ નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ બનાવ શુક્રવારની રાત્રિનો હોવાનું મનાઈ રહ્યું છે. યુવાનના મૃત્યુના બનાવથી વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.
આ બનાવ પાછળ ઉપરી અધિકારીના કથિત ત્રાસની ચર્ચા પણ ઊઠી રહી છે. જોકે, યુવાને કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને ઉપરી અધિકારીના ત્રાસ અંગેની ચર્ચામાં કેટલી હકીકત છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. બનાવ અંગે પોલીસ તપાસ અને સત્તાવાર માહિતી મળ્યા બાદ જ મૃત્યુ પાછળનાં કારણો સ્પષ્ટ થઈ શકશે.
આ ઉપરાંત શહેરના રણજીતસાગર રોડ, કિર્તી પાન ઢાળીયો ઉતરતા અશોક વાટીકા શેરી નં. ૩માં રહેતા ગીરધર ગાંડુભાઇ તારપરા (ઉ.વ.૫૨) નામના પટેલ આધેડે ઝેરી દવા પી લેતા સારવારમાં તેમનું મૃત્યુ થયુ હતું આ અંગે હિરેન ગીરધરભાઇ તારપરાએ સીટી-એમાં જાણ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે મરણજનારના ઓળખીતા ધવલ રમેશભાઇ વસોયાએ બ્રાસપાર્ટનો માલ ખીમજીભાઇ નકુમને વેચેલ હોય અને બંનેને મરણજનાર ગીરધરભાઇ ઓળખતા હોય જેથી બ્રાસ માલના પૈસા મરણજનાર પાસેથી ધવલ તથા આશિષભાઇ બંને ભાઇઓ માગતા હોય ઘરે જતા હોય અને નવનીતભાઇ ડોબરીયાને ભંગારની લેતી દેતી બાબતે મરણજનાર પાસેથી પૈસા માગતા હોય તેઓએ મરણજનારનો ચેક બાઉન્સ કરી કોર્ટમાં ફરીયાદ કરેલ હોય તેમજ ધિરજભાઇ સોરઠીયાએ પૈસાની લેતી દેતી હોય જેનુ મનમાં લાગી આવતા ગત તા. ૨૪-૧૦-૨૬ના આરવ રેસીડેન્સી ખુલ્લા પ્લોટમાં ગીરધરભાઇ પોતાની મેળે જંતુનાશક દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું.
અન્ય એક બનાવમાં નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા હિતેશ રામજીભાઇ પરમાર (ઉ.વ.૪૨) નામના યુવાનની આર્થીક સ્થીતી નબળી હોય ડીપ્રેશનમાં રહેતા હોય ગત તા. ૨૫ના ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ અંગે રાહુલભાઇ પરમાર દ્વારા સીટી-બીમાં જાણ કરવામાં આવી હતી, અન્ય બનાવમાં મુળ એમપીના હાલ જામજોધપુરના જામવાડીમાં રહેતા કિશન ચેનસિંહ અજનાર (ઉ.વ.૨૪) નામના આદીવાસી યુવાન કોઇ છોકરી સાથે મેસેજ તથા ઓડીયો કિલપથી વાતચીત કરતા હોય આ બાબતે તેઓ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા કિશનને મનમાં લાગી આવતા કુવામાં કુદીને આપઘાત કરી લીધો હતો, આ બનાવ અંગે ગુડીબેન કિશનભાઇ દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરી હતી.
વધુ એક બનાવમાં મુળ એમપીના ભાભરાના વતની હાલ શેઠવડાળાના સોગઠી ગામમાં મજુરી કરતા શીતલબેન અશ્ર્વીનભાઇ વસુનીયા (ઉ.વ.૨૦) નામની યુવતિએ કોઇ અગમ્ય કારણસર ગત તા. ૨૦ના જંતુનાશક દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું આ અંગે અશ્ર્વીનભાઇ વસુનીયાએ શેઠવડાળા પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application