BREAKING NEWS

જામ્યુકોની શિક્ષણ સમિતિ માટે ફીકસીંગ નિશ્ર્ચિત: ચેરમેનનો તાજ ચોટાઇને...?

  • September 23, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામ્યુકોની શિક્ષણ સમિતિ માટે ફીકસીંગ નિશ્ર્ચિત: ચેરમેનનો તાજ ચોટાઇને...?


રાજકારણમાં ગાજ્યા મેહ કયારેય વરસતા નથી...જામ્યુકોની શિક્ષણ સમિતિની રચનામાં પણ આવું જ કાંઇક દેખાઇ રહ્યું છે અને શિસ્તબદ્ધ પક્ષમાં વધુ એક વખત શિસ્તના દર્શન થઇ રહ્યા છે, જે રીતે આજે અંતિમ દિવસે ફોર્મ ભરાયા છે તેના પરથી એવા સંકેત મળે છે કે મેચ ફીકસ છે, અને મેન ઓફ ધ મેચ એટલે કે ચેરમેનનો તાજ પણ લગભગ સુનિશ્ર્ચિત છે, છતાં વાત ભાજપની છે એટલે શકયતા કહી શકાય, અહીં ચેરમેનના નામને લઇને પ્રબળ શકયતા પણ કહી શકાય એમ છે.

બહુ ગાજેલી શિક્ષણ સમિતિની રચના માટે જયારથી પ્રક્રિયા શ‚ થઇ છે ત્યારથી અંદરખાને ઘણું બધું રંધાયુ છે, આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બપોરના ૧૨ વાગ્યા સુધી ૧૨ ફોર્મ ભરાયા છે,અત્રે યાદ આપી દઇએ કે શિક્ષણ સમિતિમાં ૧૨ સભ્યોની જ નિમણુંક થતી હોય છે. બે સભ્ય સરકારમાંથી હોય છે.

બપોરે ૩ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય છે, અને જે રીતે નિશ્ર્ચિત ફોર્મ આવ્યા છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે ૧૨ થી વધુ ફોર્મ આવવાની કોઇ શકયતા નથી, મતલબ કે ગેમ ફીકસ છે.

ગઇકાલ સુધી શિક્ષણ સમિતિને લઇને ઘણી બધી વાતો કરવામાં આવતી હતી, અસંતોષ થશે એવી ચીમકીઓ પણ આપવામાં આવતી હતી, નિમણુંક માટે ધારાધોરણો પણ નકકી થયા હોવાનું બહાર આવ્યું હતું. આમ છતાં જયારે ફોર્મ ભરવાની છેલ્લી કલાકો સુધી ગેમ પહોંચી ત્યાં સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને વધુ એક વખત એ બાબત સામે આવી છે કે શિસ્તબદ્ધ ભાજપ પક્ષમાં ન ગમે છતાં ઘણા બધા નિર્ણયો ચૂપચાપ સહન કરી લેવા પડે છે. 


ચેરમેન પદની વાતને લઇને પણ અગાઉ ઘણી બધી વાતો હતી પરંતુ ગઇકાલ બપોર બાદથી એક નામ ફરતુ થયું છે અને જે રીતે બાર ફોર્મ ભરાયા છે તેના પરથી એવા સંકેત મળે છે કે શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હેમલભાઇ ચોટાઇનું નામ ચેરમેન તરીકે લગભગ નિશ્ર્ચિત છે, એમનો ઘોડો સૌથી આગળ છે, જો કે વાત ભાજપની છે એટલે શકયતા કહી શકાય.

આ સિવાય જે ૧૨ ફોર્મ ભરાયા છે તેની યાદી આ અહેવાલની સાથે આપવામાં આવી છે. તા.૨૫ના રોજ ફોર્મની ચકાસણીની ફોર્માલીટી થશે અને તા.૯ના રોજ મોક ચુંટણી જેવી ચુંટણી પ્રક્રિયા સંપન્ન થશે આ પછી ચેરમેન પદના નામની જાહેરાત કરવામાં આવશે. 
​​​​​​​
શિક્ષણ સમિતિની રચના આમ પણ સમય કરતાં મોડી થઇ છે પરંતુ જયારથી શિક્ષણ સમિતિની રચનાની વાત ચાલુ થઇ ત્યારથી ચેરમેન પદ અને સભ્યપદ માટે  લોબીંગ ચાલ્યું જ હતું, અંદરખાને ઘણું બધુ રંધાયું હતું, અસંતોષની વાતો પણ ઉઠી હતી પરંતુ ભાજપની લાલ આંખને જોતા શિક્ષણ સમિતિ બાબતે લગભગ હવે કોઇ ચું કે ચાં કરશે નહિ એવું દેખાય છે. અને કોઇ અસંતોષ સામે આવે એવું હાલ લાગતું નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application