BREAKING NEWS

ઇતિહાસમાં પહેલીવાર હાલારને રાજયસભામાં સ્થાન: ભાજપના થશે બે સાંસદ

  • June 05, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇતિહાસમાં પહેલીવાર હાલારને રાજયસભામાં સ્થાન: ભાજપના થશે બે સાંસદ

ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારીયાના પુત્ર જીતેન્દ્ર કણજારીયાની રાજયસભા માટે પસંદગી કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા: રાજકોટથી વિજય રૂપાણી, ભાવનગરથી મનસુખ માંડવીયા અને અમરેલીથી પરસોતમ રૂપાલા રાજયસભાના સાંસદ બની ચુકયા છે

ઇતિહાસમાં પહેલી વખત રાજયસભાનાં સાંસદની મહત્વની સીટ પર હાલારની પસંદગી થઇ છે અને દેવભૂમિ દ્વારકાનાં હેડકવાર્ટર ખંભાળીયાના યુવા નેતા જીતેન્દ્ર કણજારીયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, વધુ એક વખત ભાજપે પોતાના નિર્ણયથી બધાને હક્કા-બક્કા રાખી દીધા છે, આવુ પહેલી વખત બનશે જયારે હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બન્નેના સાંસદો રહેશે, એક લોકસભામાં છે અને હવે બીજા રાજયસભામાં હશે.

રાજકોટના રામભાઇ મોકરીયા હાલમાં રાજયસભામાં સાંસદ છે, આ પહેલા સ્વ. વિજયભાઇ રૂપાણી રાજકોટના રાજયસભાનાં સાંસદ રહી ચુકયા હતા. હાલના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ભાવનગરથી રાજયસભાનું સાંસદ પદ ભોગવી ચુકયા છે તો એજ રીતે અમરેલીમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા રાજયસભામાં પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. કદાચ આ વખતે હાલાર જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી નાની વયના સાંસદ તરીકે જીતેન્દ્ર કણજારીયા રાજયસભામાં પ્રતિનિધિત્વ કરશે. 

ગુજરાતમાં ખાલી પડેલી રાજયસભાની બેઠકો માટે ભાજપના મોવડી મંડળે ગઇકાલે જાહેર કરેલા ચારેય ઉમેદવારોના નામે વધુ એક વખત સૌ કોઇને ચોંકાવ્યા છે. કારણ કે, જૂના જોગીઓના પત્તા કાપી ચારેય નવા ચહેરાને તક આપવામાં આવી છે. જેમાં ખંભાળિયાના યુવા કાર્યકર અને સતવારા સમાજના અગ્રણી જીતેન્દ્ર કણઝારીયાની રાજયસભાના સાંસદ માટે પસંદગી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્યના પુત્રની હાલારના પ્રથમ રાજયસભાના સાંસદ બનશે. તેની પસંદગીને બંને જિલ્લામાંથી આવકાર મળ્યો છે. સોમવારે તેઓ ગાંધીનગરમાં અન્ય ઉમેદવારો સાથે ફોર્મ ભરશે. 

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા ગુરૂવારે ગુજરાતમાં રાજ્યસભાના સાંસદની ખાલી પડેલી બેઠકો માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની પસંદગી કરવામાં આવતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલારભરમાં વ્યાપક આવકાર સાંપડયો છે.ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં  રહેતા અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર મેઘજીભાઈ કણજારીયા કે જેઓ વર્ષ ૨૦૦૭ માં વિધાનસભાની ચૂંટણીમાં સામા પવને વિજેતા બની ધારાસભ્ય બન્યા હતાં. તેમણે આ વિસ્તારના અનેક પ્રશ્નોના નિરાકરણ તથા વિકાસ કાર્યો માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ પછી તેઓ નર્મદા નિગમના પણ ચેરમેન બની મહત્વની એવી કામગીરી કરી હતી. તેઓ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી, જામનગર જિલ્લા ભાજપ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા હતા. વર્ષ ૨૦૨૧ માં તેઓનું કોરોનાના કારણે અવસાન થતા વર્ષ ૨૦૨૧ માં યોજાયેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વ.મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ નોંધપાત્ર મતથી વિજેતા બન્યા હતા. આ પછી જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જીતુભાઈ કણજારીયા મીતભાસી અને સરળ સ્વભાવના કાર્યકર છે. તેઓની પસંદગી રાજયસભાના સાંસદ તરીકે થતાં તેઓ હાલારમાંથી રાજયસભાના પ્રથમ સાંસદ બનશે.

​​​​​​​પસંદગીને આવકારતા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી​​​​​​​:

ભાજપ હાઇકમાન્ડ દ્વારા જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સતવારા સમાજ દ્વારા જીતુભાઈ કણજારીયા માટેની કરવામાં આવેલી આ જાહેરાતને આવકારી ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે ફટાકડા ફોડી સૌના મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી.આશરે ૩૯ વર્ષની ઉંમરના અને શિક્ષિત એવા યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ કણજારીયા હાલાર પંથકના પ્રથમ તેમજ સતવારા સમાજમાંથી પણ પ્રથમ રાજ્યસભાના સાંસદ બનશે.​​​​​​​
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News