જામનગર : તાપમાનની ગાડી રીવર્સમાં ઠંડીના બદલે આકરા તાપની આગાહી
સમગ્ર રાજ્યની સાથે હાલારમાં પણ આસો માસમાં ચૈત્ર જેવી ગરમી તડકો પડી રહ્યો છે, અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.સ્વેટર,મફલર,ટોપીના બદલે આકરા તાપથી લૂ ના લાગે તે માટે સાવચેતી રાખવા હવામાન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી તરઘડીયા દ્વારા આજે બહાર પાડવામાં આવેલ બુલેટીન અનુસાર આજથી તા.૨૮.૧૦ સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન આકરો તાપ હાલારમાં રહેશે અને મહત્તમ તાપમાનનો પારો ૩૬ થી ૩૮ ડીગ્રીએ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે જામનગર બાજરા શંસોધન કેન્દ્ર દ્વારા જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી લઘુતમ તાપમાન ૨૦.૦૫, હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા,પવનની ગતિ ૩.૫ રહેવા પામી છે, શુક્રવાર કરતા આજે શનિવારે તાપમાનમાં નજીવો વધારો જોવા મળ્યો છે,ઠંડીના બદલે વરસી રહેલ આકરા તાપથી શહેરીજનો ગ્રામજનો પશુ પંખીઓ અકળાઈ ઉઠ્યા છે.
ચોમાસાની મૌસમમાં હાલારના લોકોએ વરસાદની કાગડોળે રાહ જોઇ હતી,હવે ઠંડીના આગમની રાહ જોઈ રહ્યા છે, મૌસમે કેવો વિચીત્ર રંગ બદલ્યો છે અત્યારે આસો માસમાં હાલારવાસીઓ ગરમીમાં બફાઈ રહ્યા છે.