BREAKING NEWS

વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ

  • May 15, 2026 06:55 PM 

વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ

ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ

સોલાર પંપ અને ટ્રેપ કેમેરાના આધુનિક અભિગમ સાથે વન્યપ્રાણીઓનું તેમના નિવાસસ્થાનમાં જ કરાતું જતન

દીપડા, મોર, હરણ અને નીલગાય જેવા પ્રાણીઓની અવરજવર થઈ કેમેરામાં કેદ


જામનગર તા.૧૫, ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે અબોલ વન્યજીવોની તરસ છિપાવવા માટે જામનગર વન વિભાગે એક પ્રશંસનીય અને માનવીય અભિગમ અપનાવ્યો છે. વન્યપ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણમાં જ સરળતાથી પાણી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા કુલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જે હાલમાં વન્યજીવો માટે ખરા અર્થમાં જીવનદાયી સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ક્ષેત્રીય સ્ટાફ દ્વારા રાત-દિવસ દેખરેખ રાખવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર તેમજ ડંકી જેવા આધુનિક અને પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધાને કારણે વન્યજીવોને ઉનાળાના કપરા સમયમાં પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવાની જરૂર પડતી નથી.


વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા વોટરપોઈન્ટ્સ પર ટ્રેપ કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાના ફૂટેજમાં શિડયુલ-૧ હેઠળ આવતા અત્યંત મહત્વના પ્રાણીઓ જેવા કે દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર, વિવિધ તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ, નીલગાય અને પક્ષીઓ નિર્ભય બનીને પાણી પીતા હોવાનું સ્પષ્ટપણે નોંધાયું છે. આ દ્રશ્યો વન વિભાગ દ્વારા કરવામાં આવતી વન્યજીવ સંરક્ષણલક્ષી કામગીરીની અસરકારકતા અને સફળતાના પુરાવા આપે છે. વન્યજીવ સંરક્ષણ અને જૈવ-વૈવિધ્યની જાળવણી એ જામનગર વન વિભાગની પ્રાથમિકતા રહી છે અને વિભાગ દ્વારા આવી પ્રકૃતિલક્ષી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. જામનગર વન વિભાગની આ જીવદાયી કામગીરી પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલ અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application