જામનગર ભાજપ માટે શિરદર્દ બની શકે શિક્ષણ સમિતિની રચના
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની રચના ભાજપ જેવા મોટા પક્ષ માટે બહુ નાની વાત કહેવાય પરંતુ જામનગરમાં આ સમિતિને લઇને હોદા મેળવવા માટે જે હોડ લાગી છે તેના પરથી એવા સંકેત મળે છે કે સમિતિની રચના ભાજપ માટે માથાના દુ:ખાવા સમાન બની શકે છે, અસંતોષ પણ જાગવાની પૂરેપુરી ભીતિ છે, જે ધારાધોરણો નકકી થયા હોવાનું અંદરખાને જાણવા મળ્યું છે તેનાથી ઘણા બધા ઇચ્છુકોની આપોઆપ બાદબાકી થઇ જતી હોવાનું દેખાય છે.
શિક્ષણ સમિતિ માટે સો થી વધુ દાવા આવ્યા છે, બાર સભ્યોની સમિતિ બનવાની છે અને તેમાંથી ચેરમેનને નિયુકત કરવાના છે, આ બાબત બધા જાણે છે, નવું ગતકડુ ગઇકાલે સામે આવ્યું કે જયારે વોર્ડ પ્રમુખોએ પણ શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે દાવા રજુ કરવા દલીલો કરી.
જયારે આ વોર્ડ પ્રમુખો શિક્ષણ સમિતિ માટે દાવો કરવા પહોંચ્યા ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એમને એવું સંભળાવી દેવામાં આવ્યું હતું કે પ્રદેશ ભાજપ તરફથી શિક્ષણ સમિતિમાં કોને સમાવવા અને કોને ન સમાવવા તેના માટે ધારાધોરણો નકકી કરવામાં આવ્યા છે.
એવું કહી દેવામાં આવ્યું છે કે કોઇ પુર્વ નગરસેવકને સ્થાન આપવામાં નહિં આવે આટલું જ નહિ હાલમાં વોર્ડ પ્રમુખોથી લઇને જે કોઇ સંગઠનમાં હોદેદાર હશે તેનો પણ સમાવેશ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત બીકોમ સુધી અભ્યાસ પણ ફરજીયાત રહેશે.
કેટલાક વોર્ડ પ્રમુખોને આવું ચોપડાવી દેવામાં આવતા કહેવાય છે કે એમણે સામે એવી દલીલ કરી હતી કે કોર્પોરેશનની ચુંટણી વખતે પણ આવા નિયમો બન્યા હતા પરંતુ પાલન થયું ન હતું, જે ધારાધોરણો નકકી થયા છે તેને ભૂલીને જો નિમુણંક થશે અને વોર્ડ પ્રમુખોને નજરઅંદાજ કરવામાં આવશે તો અસંતોષ ભડકશે એવી પણ ચીમકી આપવામાં આવી હોવાનું સંભળાય છે.
ભાજપના અત્યારે રાજકારણમાં ડંકા વાગે છે, કેન્દ્રથી લઇને કોર્પોરેશન સુધી સતા ભાજપ પાસે છે એટલે હોદા મેળવવા સ્વાભાવિક પડાપડી થાય છે, આવું જ શિક્ષણ સમિતિ માટે પણ થવાનું છે અને આ બધી બાબતોને લઇને ભાજપનાં સ્થાનિક ટોંચના નેતાઓ માટે સમિતિની રચના હેડેેક સાબિત થઇ શકે છે.
બીજી બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ સ્વીકારવામાં આવશે. પરંતુ મંગળવારે બપોર સુધી મનપામાંથી કોઇ ફોર્મનો ઉપાડ ન થયાનું જાણવા મળ્યું છે. ૨૫ સપ્ટેમ્બરના ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારે ભાજપમાં શિક્ષણ સમિતિના સભ્ય તથા ચેરમેન બનવા માટે ૧૦૦થી વધુ દાવેદાર હોય બે દીવસમાં ૧૨ બેઠક માટે એકથી વધુ ફોર્મ ભરાય છે કે પછી યેનકેન પ્રકારે મુરતિયાઓને સમજાવી ચૂંટણી બીનહરીફ કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઇ છે. પરંતુ પ્રદેશ ભાજપે નકકી કરેલા ધારાધોરણ મુજબ કે અન્ય કોઇ કારણોસર દાવેદારોના પતા કાપવામાં આવે છે એટલે કે બાદબાકી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો સભ્ય અને ચેરમેનનો તાજ મેળવવા માટે રીતસરની હોડ જામી છે અને સ્થાનીકથી લઇને પ્રદેશ મોવડી મંડળ સુધી લોબીંગની સાથે એડી ચૌટીનું જોર દાવેદારો દ્વારા લગાવામાં આવી રહ્યું હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી રોચક અને રસપ્રદ બનવાની પૂરી શકયતા છે. ત્યારે આ વર્ચસ્વની લડાઇ સમાન આ ચૂંટણીમાં કોન મેદાન મારી જશે તેના પર સૌની મીટ મંડાઇ છે.