BREAKING NEWS

જામનગરમાં યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા: જીવલેણ હુમલો

  • June 20, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા: જીવલેણ હુમલો

પ્રેમલગ્નનો ખાર રાખી ચાર શખ્સોએ માર માર્યો:  બચાવવા પડેલી પત્નીને પણ ઇજાઓ પહોંચાડી

જામનગર શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના માથામાં છરીના ઘા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, મોરકંડા રોડ વિસ્તારમાં અનમોલ પાર્કમાં રહેતા ૨૨ વર્ષીય અવેશ દાઉદભાઈ નોતિયારે મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન ફરીયાદીનાં સાસરીયા પક્ષને પસંદ ન હોવાથી તેઓ મનદુ:ખ અને ખાર રાખતા હતા.

તા. ૧૮ જૂન, ૨૦૨૬ની રાત્રે આશરે સાડા દસ વાગ્યે અવેશ પોતાની પત્ની મુસ્કાન સાથે મામાના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ નજીક ફેજાન માડકિયાએ તેમનું મોટરસાયકલ રોકી દીધું હતું. ત્યારબાદ અલ્ફાઝ તથા હમજા માડકીયા અને રૂબીનાબેન રફીકભાઈ માડકીયા પણ ત્યાં પહોંચી ગયા હતા.

આરોપ છે કે ફેજાને છરી વડે અવેશના માથામાં હુમલો કર્યો હતો, જ્યારે અલ્ફાઝ અને હમજાએ લાકડાના ધોકાથી તેમજ રૂબીનાએ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં અવેશને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. વચ્ચે બચાવવા પડેલી પત્ની મુસ્કાનને પણ બંને હાથમાં છરીના ઘા તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી.

બનાવ દરમિયાન આરોપીઓએ દંપતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે અવેશ દાઉદભાઈ નોતિયારની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ફેજાન રફીક માડકિયા, અલ્ફાઝ યુસુફ માંડકિયા, હમજા અને રૂબીનાબેન સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application