દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાર પ્રવાસીઓ ડૂબ્યા: એક યુવાનનું મોત
માનવ સાંકળ કરીને ત્રણને બચાવી લેવામાં આવ્યા
દ્વારકાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ પર એક અત્યંત દુ:ખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં દરિયાના કરંટમાં ન્હાવા પડેલા ચાર પ્રવાસીઓ અચાનક ડૂબવા લાગ્યા હતા. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ૧૮ વર્ષીય પ્રશાંત ગૌર નામના આશાસ્પદ યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
જો કે, ઘટના સમયે બીચ પર હાજર અન્ય પ્રવાસીઓએ અદભુત સૂઝબૂઝ અને બહાદુરી બતાવીને તાત્કાલિક એકબીજાના હાથ પકડી ’માનવ સાંકળ’ (હ્યુમન ચેઈન) બનાવી દીધી હતી, જેના કારણે ડૂબી રહેલા અન્ય ત્રણ પ્રવાસીઓને દરિયાના મોજામાંથી આબાદ રીતે બહાર કાઢીને નવજીવન આપવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે કરંટ વચ્ચે સતત ૧૨ કલાકની આકરી જહેમત બાદ અંતે મૃતક પ્રશાંત ગૌરનો મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર ફાયટરો દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ ભયાનક હોનારત બાદ હવે સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં વહીવટી તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની બેદરકારી પર અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે. ચોમાસાની ઋતુ અને દરિયામાં ભારે કરંટને જોતા નદી, નાળા, તળાવ તેમજ ખાસ કરીને દ્વારકાના ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ પર ન્હાવા જવા પર વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, પ્રવાસીઓ બેરોકટોક દરિયામાં કેમ ન્હાવા જઈ રહ્યા છે તે એક મોટો સવાલ છે.
લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ જાહેરનામા બહાર પાડીને પોતાની જવાબદારીમાંથી સંતોષ માની લેવામાં આવ્યો છે, કારણ કે આટલા મોટા અને સંવેદનશીલ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓને રોકવા માટે કોઈ મજબૂત સિક્યોરિટી કે પૂરતો હોમગાર્ડનો સ્ટાફ કેમ તહેનાત કરવામાં આવ્યો નથી? તંત્રની આવી ઘોર બેદરકારી અને સુપરવિઝનના અભાવે જ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે આખરે આ કિંમતી જીવ ગુમાવનાર પરિવારની બરબાદીનું જવાબદાર કોણ તેવા રોષપૂર્ણ સવાલો પ્રજા પૂછી રહી છે.