BREAKING NEWS

જામનગર: કાલાવડમાં દાગીના બતાવવાના બહાને ઠગાઇ કરનાર બે શખ્સો ઝડપાયા

  • August 31, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડમાં દાગીના બતાવવાના બહાને ઠગાઇ કરનાર બે શખ્સો ઝડપાયા

૧૭.૫૯ લાખના દાગીના સહિતનો મુદામાલ કબ્જે લેતી એલસીબી : કાલાવડ અને ઉપલેટાના ભેદ ખુલ્યા

કાલાવડમાં સોનીની દુકાનમાં જઈ સોનાના દાગીના ખરીદવાના બહાને વિશ્વાસ કેળવી બાદમાં પત્નીને ઘરે દાગીના બતાવવાના છે તેમ કહી સોની પાસેથી દાગીના લઈ જઈ પરત નહીં આપી ઠગાઈ કરનારા બે શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક મળી કુલ ૧૭,૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફની ટીમો કાલાવડના  સોની વેપારી સાથે ઠગાઈ કરવાના પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે એલ.સી.બી.ના ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, ભયપાલસિંહ જાડેજા તથા અજયભાઈ વીરડાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગરની ઠેબા ચોકડી પાસેથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તા.૧૭-૭-૨૦૨૬ના રોજ બપોરે રાજકોટના મીતેશભાઈ ગીરીશભાઈ કડેચાની કાલાવડમાં આવેલી નારાયણ જવેલર્સ નામની દુકાનમાં જઈ આરોપીઓએ પોતાની પત્નીને ઘરે દાગીના બતાવવાના બહાને સોનાની ત્રણ ચેન તથા એક જેન્ટ્સ બ્રેસલેટ લીધા હતા. ૧૦ ગ્રામ ૩૯૦ મિલીગ્રામ, ૧૫ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ અને ૧૦ ગ્રામ ૯૯૦ મિલીગ્રામની ત્રણ ચેન તથા ૧૪ ગ્રામ ૪૦ મિલીગ્રામનું બ્રેસલેટ મળી કુલ ૫૧ ગ્રામ ૩૨૦ મિલીગ્રામ સોનાના દાગીનાની કિંમત રૂ.૭,૫૯,૫૩૦ થતી હતી. દાગીના લઈ ગયા બાદ પરત નહીં આપી સોની સાથે ઠગાઈ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સુરેશ કાનજીભાઈ ઠકકર, ઉં.વ.૪૬, ધંધો જમીન લે-વેચની દલાલી, રહે. ભક્તિનગર-૨, લીલા સર્કલ પાસે, ભાવનગર, મૂળ હાબેડી ગામ, તા.કલ્યાણપુર, જિ.દેવભૂમિ દ્વારકા તથા જગદીશ અમૃતલાલ ભટ્ટ, ઉં.વ.૩૯, ધંધો મજૂરી, રહે. ગોકુલનગર, જકાતનાકા પાસે, સીતારામ સોસાયટી, શેરી નં.૩, જામનગર નામના બે આરોપીઓ સોનીની દુકાનની બાજુમાં ખાલી દુકાન ભાડે રાખી તેમાં ઓછી કિંમતની વસ્તુઓનું વેચાણ કરતા હતા. સોનીની દુકાને અવરજવર કરી શરૂઆતમાં ઓછી કિંમતના સોનાના દાગીના ઘરે બતાવવાના બહાને લઈ જઈ પરત કરતા અને સોની વેપારીનો વિશ્વાસ સંપાદન કરતા હતા. ત્યારબાદ વિશ્વાસ કેળવાયા બાદ મોટી કિંમતના દાગીના પત્નીને ઘરે બતાવવાના બહાને લઈ જઈ પરત નહીં આપી ઠગાઈ કરતા હતા.

આરોપીઓએ અમરેલીમાં સોનીની દુકાન પાસે શિવ ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ કુમાર પંડ્યા, ઉપલેટામાં દર્શન ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ દર્શન મહેતા અને કાલાવડમાં સાગર ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ સાગર મહેતા હોવાનું જણાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીઓ પાસેથી ૧૪.૨૦૦ ગ્રામનું સોનાનું બ્રેસલેટ, ૧૬.૬૦૦ ગ્રામ, ૧૧.૩૮૦ ગ્રામ, ૧૧ ગ્રામ, ૧૪.૦૯૦ ગ્રામ તથા ૨૦.૬૦૦ ગ્રામની સોનાની ચેન, ૨૧.૮૦૦ ગ્રામનું મોટું મંગળસૂત્ર અને ૧૧.૧૧૦ ગ્રામનું નાનું મંગળસૂત્ર મળી કુલ આશરે ૧૨૦.૧૮ ગ્રામ સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા રૂ.૪૦ હજારની હીરો સ્પ્લેન્ડર આઇસ્માર્ટ બાઇક મળી કુલ રૂ.૧૭,૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ઝડપાયેલા આરોપીઓમાં સુરેશભાઈ કાનજીભાઈ ઠાકકર, ઉં.વ.૪૬, ધંધો જમીન લે-વેચની દલાલી, રહે. ભક્તિનગર-૨, લીલા સર્કલ પાસે, ભાવનગર, મૂળ હાબેડી ગામ, તા.કલ્યાણપુર, જિ.દેવભૂમિ દ્વારકા તથા જગદીશ અમૃતલાલ ભટ્ટ, ઉં.વ.૩૯, ધંધો મજૂરી, રહે. ગોકુલનગર, જગાતનાકા પાસે, સીતારામ સોસાયટી, શેરી નં.૩, જામનગરનો સમાવેશ થાય છે.

​​​​​​​પોલીસે આ કાર્યવાહી દરમિયાન કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) મુજબનો તથા ઉપલેટા પોલીસ સ્ટેશનનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) મુજબનો ગુનો ડિટેક્ટ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application