જામનગર: દરેડમાં બ્રાસના વેપારીઓ સાથે ૪.૧૯ કરોડની છેતરપીંડી
પૂર્વ કર્મચારીએ વેપાર કરવાના બહાને વિશ્ર્વાસઘા કર્યો : બ્રાસનો માલ ખરીદી રકમ ચુકવવામાં હાથ ઉંચા કર્યા : માધવબાગના શખ્સ વિરુઘ્ધ પોલીસ ફરીયાદ
જામનગરમાં એક પછી એક કરોડોના ફુલેકા ફેરવી ગયાના પ્રકરણો સામે આવી રહયા છે, તાજેતરમાં બે ફરીયાદ થયા બાદ વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે, જામનગર નજીક દરેડ જીઆઇડીસીમાં કારખાનેદારો પાસેથી બ્રાસનો માલ ઉધારમાં ખરીદી એ પછી રકમ પરત નહી આપી કુલ ૪.૧૯ કરોડની છેતરપીંડી કર્યાની ફરીયાદી વેપારીના પુર્વ કર્મચારી-કારખાનેદાર સામે રાવ કરવામાં આવતા વેપારી વર્તુળોમાં ચકચાર જાગી છે.
જામનગરના સુમેર ક્લબ રોડ ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં હાઇટેક એકસ્ટ્રુઝન એલએલપી નામથી બ્રાસના સળીયાના ઉત્પાદન તથા ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારી વસંતભાઈ વૈકુંઠભાઈ કટારીયાની પેઢીમાં થોડા વર્ષો પહેલાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા નામનો વ્યક્તિ કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. બાદમાં તેણે પોતાની અલગ પેઢી શરૂ કરી બ્રાસના માલના વેપાર માટે પૂર્વ માલિક સાથે વ્યવહાર શરૂ કર્યો હતો.
પ્રાથમિક તબક્કે વેપારીક સંબંધો સામાન્ય રીતે ચાલ્યા બાદ આરોપીએ ઉધાર વ્યવહારમાં મોટા પાયે બ્રાસના રોડ અને અન્ય માલની ખરીદી કરી હોવાનું જણાવાયું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કેટલાક વ્યવહારોના પેમેન્ટ નિયમિત આપવામાં આવ્યા હતા, જેના કારણે આરોપી પર વિશ્વાસ બેસ્યો હતો. ત્યારબાદ આરોપીએ અલગ અલગ બિલો હેઠળ કરોડો રૂપિયાનો માલ ખરીદેલો હોવા છતાં બાકી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી પાસેથી કુલ ૩.૫૭ કરોડથી વધુ રકમ લેવાની બાકી નીકળે છે. ઉઘરાણી માટે વેપાર સ્થળ અને રહેણાંક સ્થળે તપાસ કરતાં બંને સ્થળો બંધ મળી આવ્યા હતા. મોબાઇલ નંબર પણ બંધ આવતા વેપારીઓએ સંપર્ક ગુમાવ્યો હતો. આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પૈકીનો એક ચેક બેંકમાં રજૂ કરતા અપુરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
આ મામલે અન્ય બે વેપારીઓ સાથે પણ સમાન પ્રકારની છેતરપીંડી થયાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ વેપારીક વિશ્વાસ કેળવી વિવિધ પેઢીમાંથી માલ ખરીદી ૪.૧૯ કરોડ રૂપિયાની નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં ફરિયાદી વેપારીને ૩,૫૭,૨૭,૪૬૭ના લેણા નીકળે છે આ ઉપરાંત જતીન ભગતરામ શાહ અને પ્રકાશ જગતરામ શાહની પેઢી માંથી પણ ૬૧,૮૫,૬૪૪ નો મુદ્દામાલ ખરીદ કર્યો હતો અને બંને ના મળી કુલ ૪.૧૯.૧૩.૧૧૧રકમના વ્યાપારિક નાણાકીય ઉચાપત કરી હતી આ અંગે વેપારી વસંતભાઇ કટારીયા દ્વારા ગઇકાલે પંચ-બીમાં આરોપી આનંદ મોઢવાડીયા-એ.એમ. મેટલ, દરેડ જીઆઇડીસી પ્લોટ નં. ૯૫/૩, શિવમ પાર્ક તથા રહેણાંક માધવબાગ ૨/૩, સાંઢીયાપુલ પાસે જામનગરની સામે ફરીયાદ કરી છે હાલ આરોપી રફુચક્કર થઈ ગયો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે, આ ફરીયાદના આધારે પંચ-બીના પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડેન્ટલ કોલેજ અને સુપર માર્કેટના કરોડોના છેતરપીંડીના બનાવ પોલીસ મથકે પહોચ્યા છે.