જામનગર: હરીપર ગામના ખેડુતને ફ્રી મુવીની ફાઇલ ૩.૫૮ લાખમાં પડી
લીંક ડાઉનલોડ કરતા જ ખાતામાંથી માતબર રકમની ઠગાઇ : સાયબર ફ્રોડની ફરીયાદ
ધ્રોલના હરીપરમાં રહેતા ખેડુત સાથે સાયબર ફ્રોડ થતા મામલો પોલીસમાં પહોચ્યો છે, ફ્રી મુવી એપની ફાઇલ આવી હતી અને લીન્ક ડાઉનલોડ કરતાની સાથે યુપીઆઇ મારફત ખાતામાંથી ૩.૫૮ લાખની રકમ ઉપડી ગઇ હતી, ઠગાઇ અંગે લીન્ક મોકલનાર સામે ફરીયાદ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઇલમાં અજાણ્યા દ્વારા મોકલાયેલી લીન્ક ખાસ કરીને એપીકે ફાઇલ ખોલવી નહીં, સાવધાની રાખવી જરૂરી બની છે.
ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા ખેતી કરતા જગદીશભાઇ ઉકાભાઇ ભંડેરીએ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફ્રી મુવી એપ્લીકેશન નામની ફ્રોડ એપીકે ફાઇલની લીન્ક મોકલનાર ઇસમ તથા તપાસમાં ખુલે તેની સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૮(૪) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત મુજબ ગત તા. ૩૦-૫-૨૬ થી ૩-૬-૨૬ના સમય દરમ્યાન આરોપીઓએ ફરીયાદી ખેડુતના મોબાઇલમાં ઇન્સટા આઇડી પર ફ્રી મુવીની ફ્રોડ એપ્લીકેશનની એપીકે ફાઇલની લીન્ક મોકલી હતી, જે લીન્ક ફરીયાદીના પુત્રએ ડાઉનલોડ કરતા મોબાઇલ હેક થઇ ગયો હતો.
દરમ્યાનમાં ફરીયાદીના બેન્ક ખાતામાંથી અલગ અલગ યુપીઆઇ આઇડી મારફત કુલ ૩.૫૮.૭૦૦ ઉપાડી લઇ ફરીયાદી સાથે ઓનલાઇન છેતરપીંડી કરીને આરોપીએ રૂપીયા સગેવગે કર્યા હતા. આ ફરીયાદના આધારે ધ્રોલ પીઆઇ એચ.વી. રાઠોડ તપાસ ચલાવી રહયા છે.
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અવેરનેશ બાબતે અને લોક જાગૃતી માટે સાવધની રાખવા સુચનાઓ આપવામાં આવે છે, ખાસ કરીને મોબાઇલમાં અજાણ્યા લલચામણા મેસેજ કે કોઇ ફાઇલ બાબતે ચકાસણી જરૂરી છે એપીકે ફાઇલ ન ખોલવા અંગે તો લોકોને સાવચેત કરવામાં આવ્યા છે, હાલના સમયમાં સાયબર ફ્રોડના ગુનાઓનું પ્રમાણ પણ વધી રહયુ છે જેથી સાવચેતી એ જ સલામતી છે.