દ્વારકા જિલ્લાના યુવાનો અર્થે સશસ્ત્ર દળોની ભરતી માટેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગની મુદત લંબાવાઇ
આર્મી, એરફોર્સ, નેવી સહિતના સશસ્ત્ર દળોની ભરતી માટે નિ:શુલ્ક તાલીમનું આયોજન:તા.૨૯ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે
રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી પામે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભુમિ દ્વારકા દ્વારા ૩૦ દિવસીય સંપૂર્ણ નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગ માટે અરજી કરવાની મુદત તા.૧૭/૦૮/૨૦૨૬ હતી જેમાં વધારો કરી તા.૨૯/૦૮/૨૦૨૬ સુધી અરજી કરી શકાશે.
આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી - દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૧૭-૦૮-૨૦૨૬ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવે છે.
આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા તથા જમવાની નિ:શુલ્ક સુવિધા સાથે ભરતી પ્રક્રિયાને અનુરૂપ શારીરિક તેમજ લેખિત પરીક્ષાની સઘન તાલીમ આપવામાં આવશે. શારીરિક તાલીમમાં દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ સહિતની વિવિધ કસોટીઓનો સમાવેશ કરવામાં આવશે. તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ ધોરણ-૧૦માં ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ અથવા ધોરણ-૧૨માં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં પાસ થયેલા હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ઉપરાંત, ઊંચાઈ ૧૬૨ સેન્ટિમીટર, વજન ૫૦ કિલોગ્રામ તથા છાતીનું માપ ફુલાવ્યા વગર ૭૭ સેન્ટિમીટર અને ફુલાવ્યા બાદ ૮૨ સેન્ટિમીટર હોવું આવશ્યક છે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ તાલીમમાં જોડાઈ શકશે નહીં. તાલીમ માટે ઉમેદવારોની અંતિમ પસંદગી સંરક્ષણ દળોના નિર્ધારિત શારીરિક માપદંડો મુજબ કરવામાં આવશે. તેમજ આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.વધુ માહિતી માટે ઉમેદવારો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.