દેવભૂમિ દ્વારકા: નગરનાકા પાસે ગંજીપતાનો વડે જુગાર રમતી ત્રિપુટી ઝબ્બે
એક શખ્સ ફરાર : ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરતી ભાણવડ પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ સામરાભાઇ જામ, કિશોરસિંહ ચંદુભા જાડેજા અને એ.એસ.આઇ. જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજાને સંયુક્તમાં મળેલી ચોક્કસ હકીકતને આધારે ભાણવડ ટાઉન વિસ્તારમાં આવેલા નગરનાકાની અંદર, વકાર પાનની બાજુમાં જાહેરમાં એક ઓટલા ઉપર જુગાર અંગેની રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ૧૦,૨૫૦ અને ૧૦,૫૦૦ની કિંમતના ૩ નંગ મોબાઇલ ફોન મળીને કુલ ૨૦,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં મેઘજીભાઇ દાનાભાઇ સાગઠીયા (ઉં.વ. ૩૬, ભાણવડ), અશરફભાઇ હબીબભાઇ કથરીયા (ઉં.વ. ૫૦, રહે. નગરનાકા મસ્જીદની બાજુમાં, ભાણવડ) અને મહેમુદભાઇ ગજણ (ઉં.વ. ૪૫, રહે. નગરનાકા મસ્જીદની બાજુમાં, ભાણવડ) નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક આરોપી અતુલભાઇ પરબતભાઇ સોલંકી (રહે. ચુનારા વાસ, નગરનાકા, ભાણવડ) રેઇડ દરમિયાન નાસી જવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.