BREAKING NEWS

જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમ વખત ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

  • October 13, 2026 10:40 AM 

જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમ વખત ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

સમસ્ત બ્રહ્મ સમાજની ૧૫૦૦થી વધુ બહેનોએ મહારાસમાં ઉત્સાહભેર ભાગ લીધો, આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો અને બાળકો માટે ગોરાણી ગ્રુપ જામનગર દ્વારા પ્રથમ વખત ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ તથા મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં બ્રહ્મ સમાજની ૧૫૦૦થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગોરાણી ગ્રુપના આ પ્રથમ પ્રયાસને બ્રહ્મ સમાજના આગેવાનો હોદ્દેદારો, ઘટકો અને વિવિધ પેટા જ્ઞાતિઓના પ્રતિનિધિઓનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

ગોરાણી ગરબા નવરાત્રિ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અજયભાઈ મોદી સહિત કોર્પોરેટર ભાઈ-બહેનો,પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઇ રાવલ, નવાનગર કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા,ભરતભાઇ કવાડ, નોબત દૈનિકના ચેતનભાઈ માધવાણી, જયેશભાઇ રૂપારેલીયા, ડો.દેવાંશુભાઈ શુક્લ, ડો. નીરજ ભટ્ટ,ડીવાયએસપી સમીરભાઈ શારડા, પત્રકારો,ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો તેમજ જામનગરમાં કાર્યરત બ્રહ્મ સમાજના વિવિધ ઘટકો અને પેટા જ્ઞાતિઓના અગ્રણીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સાંસદ પૂનમબેન માડમ,શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ની શુભકામનાઓ મળી હતી.

ગોરાણી ગ્રુપનાં સંયોજક ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે, જામનગર જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર બ્રહ્મ સમાજની મહિલાઓ માટે આ પ્રકારના મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારાસનું કમ્પોઝિશન જામનગરમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની ગાયકી પણ જામનગરમાં જ કરવામાં આવી હતી. સ્થાનિક કલાકારો અને આયોજકોના પ્રયાસોથી તૈયાર થયેલા આ વિશિષ્ટ મહારાસમાં ૧૫૦૦થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલૈયાઓએ ઉત્સાહભેર પોતાની કલા રજૂ કરી હતી. સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલૈયાઓને અલગ-અલગ દાતાઓના સહયોગથી ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પરંપરાગત ગરબા, મહારાસ અને સાંસ્કૃતિક માહોલે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ સમગ્ર ગોરાણી ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે ગોરાણી ગ્રુપનાં સંયોજક ડિમ્પલબેન રાવલની આગેવાનીમાં અનિલાબેન દવે, અર્ચનાબેન પુંજાણી, ધારાબેન પુરોહિત, ભાવિકાબેન જોશી, કિરણબેન પંડ્યા, મનિષાબેન ઠાકર, દેવિકાબેન ઠાકર, પાયલબેન શર્મા, રેણુકાબેન ભટ્ટ, વીણાબેન પાઠક, તેજલબેન પુરોહિત, હંસાબેન રાવલ, હર્ષિતાબેન જોશી, ડિમ્પલબેન મહેતા, દિશિતાબેન પંડ્યા, નિધિબેન ભટ્ટ, નીતાબેન પંડ્યા, પ્રીતિબેન રાવલ, ભાવનાબેન રાવલ સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સંચાલક બીમલભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાસ અને ગરબા સ્પર્ધાના નિર્ણાયક તરીકે જલ્પાબેન બુચ, સિમરનબેન ભટનાગર અને હિરબેન બુચે સેવા આપી હતી.

ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે રંગતાળી ગ્રુપના સંયોજક સંજયભાઈ જાની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે.ડી. જ્વેલર્સ, અપના બજાર મોલ તેમજ અન્ય અનેક દાતાઓએ સહયોગ પૂરો પાડ્યો હતો.
​​​​​​​આમ, ગોરાણી ગ્રુપ જામનગર દ્વારા આયોજિત આ પ્રથમ ગોરાણી ગરબા નવરાત્રી મહોત્સવ સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો અને બાળકો માટે એક યાદગાર સાંસ્કૃતિક ઉત્સવ બની રહ્યો હતો. સમાજની એકતા, પરંપરા અને મહિલા શક્તિના સુંદર સમન્વય સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application