જામનગર: ધ્રોલમાં ભારતમાલા હાઇવે પર જનરેટરની ચોરીનો ભેદ ઉકેલાયો
૭.૪૧ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા
ધ્રોલ-જોડિયા રોડ પર બની રહેલા ભારતમાલા હાઇવેના આર.સી.સી. રોડ બનાવવાના મશીનમાંથી ૬ લાખની કિંમતના જનરેટરની ચોરીના વણશોધાયેલા ગુનાનો ધ્રોલ પોલીસે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને કુલ રૂ. ૭.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તા. ૩ સપ્ટેમ્બરની રાત્રે બીલેશ્વર મહાદેવ મંદિર પાસે હાઇવેના કામ દરમિયાન મશીનમાંથી જનરેટર અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ધ્રોલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના આરોપીઓ મોટરસાઇકલ તથા છકડો રિક્ષા લઈને ભૂચર મોરી મેદાન પાછળથી જેશલપીરની જગ્યા તરફથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. જેના આધારે ધ્રોલ ચેકપોસ્ટ પાસે વાહન રોકી તપાસ કરતાં પાંચ શખ્સોને ચોરીના મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં શબીર સલીમભાઇ કેર ઉ.વ.૨૩, ધનજીભાઇ ભીખાભાઇ સોલંકી ઉ.વ.૩૦, અલ્ફાઝ સુલતાનભાઇ મેવાણા ઉ.વ.૧૯, તુલશી ઉર્ફે કલ્પેશ ધીરૂભાઇ રાઠોડ ઉ.વ.૨૩ તથા એક કાયદાના સંઘર્ષિત કિશોરનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી આર.સી.સી. રોડ બનાવવાના મશીનના જનરેટરના સ્પેર પાર્ટ્સ, પ્લાસ્ટિકની બેગમાં ભરેલા કોપર વાયરના નાના બંડલ તથા જનરેટરના અલગ-અલગ ભાગો મળી રૂ. ૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ. ૪૦ હજારની કિંમતની જાવા મોટરસાઇકલ, રૂ. ૧ લાખની છકડો રિક્ષા તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા લોખંડના હથોડા, ટોમી, છીણી, વાયર કટીંગ કટર અને બોલ્ટ ખોલવાના ત્રણ પાના સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ. ૭.૪૧ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. સમગ્ર કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.