રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરે નાઘેડી સરકારી શાળામાં 500થી વધુ પુસ્તકો સાથે આધુનિક લાઇબ્રેરી ભેટ આપી
મોબાઇલના યુગમાં પુસ્તકો સાથે દોસ્તી કરાવતી અનોખી પહેલ
આજના મોબાઇલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે બાળકો ધીમે-ધીમે પુસ્તકો અને વાંચનથી દૂર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વાંચનની આદત વિકસે, જ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધે અને નાનપણથી જ પુસ્તક સાથેનો આત્મીય સંબંધ બંધાય તેવા ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગર તથા ટીમ બિલીવર્સ દ્વારા એક અત્યંત સરાહનીય અને પ્રેરણાદાયી સેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. "ક્રિએટ લાસ્ટિંગ ઈમ્પેક્ટ"ના સંકલ્પ સાથે નાઘેડી કુમાર શાળામાં ભવ્ય લાઇબ્રેરી સેટઅપ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જે માત્ર એક પુસ્તકાલય નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.
નાઘેડી કુમાર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહના વરદહસ્તે નવી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, રોટરીના હોદ્દેદારો, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને શિક્ષણપ્રેમ અને સેવાભાવથી ઓતપ્રોત બનાવી દીધું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ માટે વિશેષ રીતે એક સુંદર, સુવ્યવસ્થિત અને શાંત વાંચન ખૂણો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પુસ્તકોનું વાંચન કરી શકે. લાઇબ્રેરી માટે આધુનિક કબાટની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 500થી વધુ ગુણવત્તાસભર પુસ્તકો ભેટ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરણ 1થી 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે.
આ સમગ્ર સેવા પ્રકલ્પના પ્રોજેક્ટ ચેરમેન અંકુર કંટારિયાના માર્ગદર્શન અને સક્રિય આયોજનથી લાઇબ્રેરી પ્રોજેક્ટને સુંદર આયોજનબદ્ધ સ્વરૂપ મળ્યું હતું. તેમણે માત્ર પુસ્તકાલયની સ્થાપના પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ દરેક બાળક સુધી ગુણવત્તાસભર વાંચનની તક પહોંચે અને પુસ્તક પ્રત્યે પ્રેમ જાગે તેવા ઉદ્દેશ સાથે સમગ્ર પ્રકલ્પને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પુસ્તકાલયમાં ચિત્રો સાથેની રસપ્રદ વાર્તાઓ, બાળસાહિત્ય, કોમિક્સ, હાસ્યકથાઓ, બાળગીતો અને કવિતાઓ, પ્રેરણાદાયી પ્રસંગો, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન સંબંધિત પુસ્તકો, મહાનુભાવોના જીવનચરિત્રો, ઐતિહાસિક વ્યક્તિત્વો, સંસ્કારલક્ષી સાહિત્ય તેમજ વિવિધ વિષયોના જ્ઞાનવર્ધક પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી બાળકો માત્ર અભ્યાસ પૂરતા જ નહીં પરંતુ સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, વ્યક્તિત્વ વિકાસ અને વિચારશક્તિમાં પણ સમૃદ્ધ બની શકે.
આ સમગ્ર પ્રકલ્પમાં જામનગરના જાણીતા પુસ્તક વિક્રેતા વિદ્યાભવનનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ઉંમર અને રસને અનુરૂપ પુસ્તકોની પસંદગી કરવામાં આવી હતી, જેથી દરેક બાળકને પોતાની પસંદગીનું કંઈક વાંચવા મળે અને વાંચન પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ ઉભું થાય.
આ લાઇબ્રેરીનો સીધો લાભ ધોરણ 1થી 7માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા 325થી વધુ વિદ્યાર્થીઓને મળશે. રોટરી ક્લબનો વિશ્વાસ છે કે પુસ્તકાલય માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ તે બાળકોમાં નવા વિચારો, નવી કલ્પનાઓ અને નવી સંભાવનાઓનું દ્વાર ખોલે છે. વાંચનની આદત બાળકોના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભવિષ્યમાં તેમને આત્મવિશ્વાસી તથા જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ બને છે.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં બાળકોનો મોટો સમય મોબાઇલ અને ઇન્ટરનેટ પાછળ પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને ફરીથી પુસ્તકો તરફ વાળવા માટે સમાજના વિવિધ સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે. પુસ્તકો સાથેની મિત્રતા જ બાળકોને સાચા અર્થમાં જ્ઞાન, સંસ્કાર અને જીવનમૂલ્યો આપી શકે છે. આ લાઇબ્રેરી પ્રોજેક્ટ એ જ દિશામાં એક નાનકડો પરંતુ અત્યંત અસરકારક પ્રયાસ છે.
રોટરી ક્લબ 'છોટી કાશી'ના પ્રમુખ પરીન ગોકાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે લાંબા ગાળે અસર કરે તેવા પ્રોજેક્ટ હાથ ધરવાનો ક્લબનો સતત પ્રયાસ છે. બાળકોમાં વાંચનની ભૂખ જાગે, તેઓ પુસ્તકને મિત્ર બનાવે અને જીવનમાં આગળ વધવા માટે જ્ઞાનને સૌથી મોટી મૂડી બનાવે તેવો ક્લબનો મુખ્ય હેતુ છે.
ક્લબના સેક્રેટરી ભાવેશ તન્ના, આસિસ્ટન્ટ ગવર્નર કમલેશ કાનાબાર, શાળાના આચાર્ય પૂજાબેન પુરોહિત, શિક્ષકગણ, હમીરભાઈ ઓડેદરા, હરીશભાઈ કેશવાલા, નિતલભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓએ પણ આ પ્રકલ્પને બાળકોના ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી ગણાવી પ્રોજેક્ટને સફળ ગણાવી પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે, "ચાલો, વાંચનની ભેટ આપીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. બાળકોને પ્રેરણા આપીએ, શિક્ષિત કરીએ અને સશક્ત બનાવીએ." આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું કેન્દ્ર નહીં પરંતુ જ્ઞાન, સંસ્કાર અને પ્રેરણાનું કેન્દ્ર બની અનેક બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગર અને ટીમ બિલીવર્સ દ્વારા હાથ ધરાયેલો આ સેવા પ્રકલ્પ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ સમાન બન્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર વાંચન સામગ્રી પહોંચાડીને તેમને જ્ઞાનની નવી દુનિયા સાથે જોડવાનો આ પ્રયાસ નિઃસંદેહ પ્રશંસાને પાત્ર છે અને ભવિષ્યમાં પણ આવા વધુ શિક્ષણલક્ષી પ્રકલ્પો હાથ ધરાય તેવી સ્થાનિકોમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.