↵ખંભાળીયાની યુવતીને ઓનલાઇન શિક્ષકની નોકરીની લાલચ આપી ઠગાઈ
ખંભાળીયામાં ઓનલાઇન ટીચરની નોકરી અપાવવાના બહાને એક યુવતી પાસેથી ટુકડે-ટુકડે ૫૬ હજારથી વધુની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ખંભાળીયાના રામનાથ સોસાયટી, ગાયત્રી મંદિર પાસે રહેતી ૨૩ વર્ષીય અંજલીબેન વિનયભાઇ ચોક્સીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એચ.આર. ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપી સાદા કોલ તેમજ વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ ઓનલાઇન ટીચરની જોબ માટે રજીસ્ટ્રેશન ફી પેટે ૧,૯૯૯, લેપટોપ અને કંપનીની સિસ્ટમ પેટે ૮,૬૫૦ તેમજ લેપટોપ ઇન્સ્યોરન્સ પેટે ૧૧,૫૦૦, ૧૧,૫૦૦ અને ૨૩,૦૦૦ એમ અલગ-અલગ યુપીઆઇ આઈડી પર ટ્રાન્ઝેક્શન કરાવી કુલ ૫૬,૬૪૯ પડાવી લીધા હતા. છેતરાયાની જાણ થતાં યુવતીએ ખંભાળીયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.