BREAKING NEWS

રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક વર્ષની બાળકીને ઉઠાવી જવાઇ

  • November 29, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક વર્ષની બાળકીનું સ્ત્રી-પુરૂષ અપહરણ કરી ગયા હતાં. બનાવને લઈ રેલવે પોલીસે તાકીદે તપાસ હાથ ધરી આ બંનેને દ્વારકાથી ઝડપી લઇ બાળકીને મુકત કરાવી હતી. આરોપીઓ ભાઇ બહેન હોય મહિલા આરોપીને સંતાન ન હોય જેથી બાળકીને રેઢી જોઇ તેને ઉછેર કરવા માટે તે લઇ ગયાનું રટણ કર્યું હતું. જોકે પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોય પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ દિલ્હીમાં બેગમપુર બરવાળા રોડ પર રહેતી મૂળ મોરબીના રાતાભેર ગામની વતની રીનાબેન રોશનભાઈ દુધરેજીયા (ઉ.વ. 32) નામની મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી દિલ્હી પરિવાર સાથે રહે છે અને ફૂટપાથ પર ડ્રાયફ્રુટ વેચે છે. સંતાનમાં સાત વર્ષની પુત્રી લક્ષ્મી, ચાર વર્ષની પુત્રી રોશની, ત્રણ વર્ષનો પુત્ર વિરાજ અને એક વર્ષની પુત્રી પૂજા ઉર્ફે જમ્બા છે

ગઈ તારીખ 26/11 ના તેને પતિ સાથે ઝઘડો થતાં બાળકોને લઈને દિલ્હી રેલવે સ્ટેશન પર આવી અહીં રાત્રે રોકાઈ પિતાજી ભરત વિઠ્ઠલભાઈ દંતાણી જે રાજકોટમાં લોહાનગરમાં રહેતા તેના ઘરે જવા માટે નીકળી હતી.તા. 28/11 ના રાત્રીના ત્રણ વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન પર આવ્યા હતા. બાદમાં સવારના સંતાનોને લઈ પિતાના ઘરે ગઈ હતી પરંતુ ત્યાં કોઈ ન હોય જેથી સંતાનોને લઇ ફરી રેલવે સ્ટેશન પર આવી અહીં સ્ટેશન બિલ્ડીંગ ગેટ નંબર 33 માં તે સંતાન સાથે રોકાઇ હતી.

દરમિયાન તે ફોનમાં સાસુ શોભનાબેન ઉર્ફે લક્ષ્મીબેન સાથે વાત કરતી હતી ઘરે માથાકૂટ થઈ હોય જેથી સાસુ અને પતિ સાથે સતત વાતચીત કરતી હોય આ દરમિયાન તેનું ધ્યાન ન રહેતા અહીં તેની પાસે રમી રહેલા ચારેય સંતાનો પૈકી તેમની એક વર્ષની પુત્રી પૂજા પ્લેટફોર્મ નંબર 1 સુધી પહોંચી ગઈ હતી. જે વાતની જાણ તેની માતાને ન હોય દરમિયાન અહીંથી તેમની દીકરીને કોઈ ઉઠાવી ગયું હતું જેથી તેણે તુરંત આ બાબતે પોલીસને જાણ કરી હતી.

બાળકને ઉઠાવી જવાના આ ગંભીર બનાવને લઈ રેલ્વે જીઆરપીના પીઆઇ એચ.એમ. રાણા, એલસીબી પીએસઆઇ જયુભા પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાળકીને ઉઠાવી જનાર સ્ત્રી અને પુરુષ દ્વારકા ગયા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ તુરંત દ્વારકા પહોંચી હતી અને ત્યાંથી આ સ્ત્રી-પુરુષને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી બાદમાં આ બંનેને રાજકોટ લાવવામાં આવ્યા હતા.


નિસંતાન હોવાથી બાળકીને લઇ ગયાનું ગોમટાની મહિલાનું રટણ

પોલીસે બાળકીને ઉઠાવી જનાર આ બંને શખસોની પૂછતાછ કરતા તે ગોંડલના ગોમટા ગામે રહેતા ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની પત્ની દ્વારકા હોય તેના ઘરે તેઓ જતા હતા. દરમિયાન અહીં પ્લેટફોર્મ પર બાળકી રેઢી નજરે પડતા તેને લઈ ગયા હતા.

પોલીસની પૂછપરછમાં આ બને એવું રટણ કર્યું હતું કે, મહિલા આરોપીને સંતાન ન હોય જેથી રેઢી મળેલી બાળકીને પોતે માતા તરીકે ઉછેર કરવા માટે સાથે લઈ ગઈ હતી. જોકે આરોપીઓની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોય જેથી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application