રાજકોટમાં જામનગરની NCFC U-12 ગર્લ્સ ટીમનો ચેમ્પિયન બનવાનો પરાક્રમ
રાજકોટ ખાતે યોજાયેલા ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’માં જામનગરની NCFC U-12 ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. બાળ ખેલાડીઓની આ સિદ્ધિથી જામનગરનું ગૌરવ વધ્યું છે.
તાજેતરમાં તા. 9થી 16 ઓગસ્ટ દરમિયાન રાજકોટના જીનીયર્સ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. U-12 ગર્લ્સ વિભાગમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ NCFC જામનગરની ટીમે જોરદાર વાપસી કરી હતી.ત્યારબાદની મેચોમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી જીત મેળવી હતી અને સેમિફાઇનલમાં પણ ભવ્ય વિજય સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ફાઇનલ મુકાબલો NCFC જામનગર અને DLSS સિનિયર રાજકોટ વચ્ચે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે 2-0થી વિજય મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
NCFC જામનગરના આ બાળ ખેલાડીઓને હાલ જામનગર શહેરની ઓશવાળ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલની તાલીમ આપવામાં આવી રહી છે. હેડ કોચ પૃથ્વીરાજસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોચ દક્ષરાજસિંહ જેઠવા અને સંધ્યા શર્મા દ્વારા નાના ખેલાડીઓને ફૂટબોલની તાલીમ આપવામાં આવે છે.
NCFCની U-12 ગર્લ્સ ટીમની આ સફળતા જામનગરના ફૂટબોલ ક્ષેત્ર માટે ગૌરવની બાબત બની છે અને બાળ ખેલાડીઓની પ્રતિભાને નવી ઓળખ અપાવી છે.