જામનગરમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ
જામનગરના તિરુપતી પાર્ક-૧ વિસ્તારમાં બે દિવસ પહેલા ઘરની બહાર બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરવામાં આવી હતી આ અંગે બાઇકમાં નાશી છુટેલા બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા આજુબાજુના વિસ્તારના સીસી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે.
જામનગર શહેરના તિરૂપતિ પાર્ક-૧ વિસ્તારમાં વિશાલ કોમ્પ્લેક્સ સામે ઘરની બહાર ખુરશી પર બેઠેલા વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ થયાનો બનાવ સામે આવ્યો છે. કાળા રંગની મોટરસાઇકલ પર આવેલા એક શખસ અને પગપાળા આવેલા અન્ય એક શખસે વૃદ્ધના ગળામાંથી આશરે એક તોલાની સોનાની ચેઇન ખેંચી હતી. ચેઇનનો આશરે સાત ગ્રામનો ટુકડો તોડી બંને શખસો ફરાર થઈ ગયા હતા. ચેઇનના ટુકડાની કિંમત આશરે ૭૦ હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તિરૂપતિ પાર્ક-૧, વિશાલ કોમ્પ્લેક્સ સામે રહેતાં મમતાબેન અરવિંદભાઈ રાજપૂતે આ અંગે બેડી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨) તથા ૨૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.