BREAKING NEWS

ખંભાળિયા શહેર-તાલુકામાં મહોરમના પર્વની ભવ્ય ઉજવણી

  • June 27, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેર-તાલુકામાં મહોરમના પર્વની ભવ્ય ઉજવણી

કલાત્મક તાજીયાના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તેમજ સમગ્ર તાલુકા પંથકમાં ગઈકાલે મહોરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગઈકાલે રાત્રે બાર વાગ્યે વિવિધ જમાતો દ્વારા તૈયાર કરવામાં આવેલા આશરે નવ જેટલા કલાત્મક તાજીયાઓ પદમાં આવ્યા હતા. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા.

ખંભાળિયામાં અલગ-અલગ જમાતો જેવી કે પીંજારા સાટી જમાત, સંધી જમાત, માજોઠી જમાત, પઠાણ જમાત, કુરેશી જમાત, હૈદરી જમાત, મતવા જમાત, ચાંદાણી જમાત અને મકરાણી જમાત દ્વારા ખૂબ જ આકર્ષક અને કલાત્મક રીતે શણગારેલા તાજીયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ તાજીયાઓને જોવા અને સવારના સમયે નાળિયેર વધેરીને દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ કોમી એકતાના પર્વમાં હિન્દુ ભાઈઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાળિયેર વધેરી દર્શન કર્યા હતા.
​​​​​​​
તમામ તાજીયાઓ પોતપોતાની જમાતના આગેવાનોની આગેવાની હેઠળ ભવ્ય ઝુલુસ સ્વરૂપે નિયત કરાયેલા રૂટ પર આગળ વધી સાંજના સમયે નગરગેટ પાસે પહોંચ્યા હતા. સુંદર લાઈટિંગ ડેકોરેશનથી શણગારેલા આ તાજીયાઓ નગરગેટ ખાતે એકત્ર થયા બાદ ત્યાં તમામ તાજીયા ઠંડા કરી વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેર ઉપરાંત તાલુકાના મુસ્લિમ બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો જેવા કે સલાયા, વાડીનાર, પીર લાખાસર, કોટા અને આંબલા સહિતના નાના-મોટા ગામોમાં પણ મહોરમ નિમિત્તે પરંપરાગત રીતે તાજીયા નીકળ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application