ખંભાળિયામાં નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
મોટી સંખ્યામાં ભક્તો જોડાયા: સમગ્ર શહેર હરે કૃષ્ણ હરે કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું
ખંભાળિયામાં ઇસ્કોન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ગઈકાલે શુક્રવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ગઈકાલે ૫૬ ભોગ, રથયાત્રા, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
ઇસ્કોન સંસ્થાના ઉપક્રમે શુક્રવારે બપોરે ખંભાળિયામાં બેઠકો રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડીમાં ૫૬ ભોગ તથા વક્તવ્ય અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી આજરોજ સાંજે રથયાત્રાનો પ્રારંભ અહીંની શ્રીજી સાનિધ્ય સોસાયટી ખાતેથી થયો હતો. આ રથયાત્રા મહાપ્રભુજીની બેઠકજી પાસેથી થઈને આ રથયાત્રા શહેરના બેઠક રોડ, શારદા રોડ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, શ્રીજી શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, નગર ગેઈટ થઈને નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. જુદા જુદા રાજમાર્ગ ઉપર આ રથયાત્રાનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રાને દોરડા વડે ખેંચી, પુણ્યનું ભાથું બાંધીને ધન્યતા અનુભવી હતી.
અંતમાં નવી લોહાણા મહાજન વાડી ખાતે રાત્રે ભગવાન જગન્નાથજીની આરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં નગરજનો સાથે અન્ય શહેરોમાંથી ખાસ પધારેલા મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા હતા. આ સમગ્ર આયોજન માટે અહીંના ઇસ્કોન સંસ્થાના સેવાભાવી યુવાનો-કાર્યકરોને ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.