દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટા માઢા ગામના વતની શક્તિસિંહ મોતીભા જાડેજા ભારતીય સેનામાં વર્ષો સુધી દેશની સેવા કરી પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરતા ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મોટા માઢા ગામના ગ્રામજનો, પરિવારજનો, આગેવાનો, યુવાનો તેમજ આજુબાજુનાં ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શક્તિસિંહ મોતીભા જાડેજાનું ફૂલહાર પહેરાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત તથા સન્માન કર્યું હતું.
સન્માન સમારોહ બાદ શક્તિસિંહ મોતીભા જાડેજાના સન્માનમાં આરાધના ધામથી મોટા માઢા ગામ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટા માઢા ગામ સહિત આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાજતે-ગાજતે અને દેશભક્તિના નારા સાથે નીકળેલી રેલીમાં સમગ્ર માર્ગ પર ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આરાધના ધામથી મોટા માઢા ગામ સુધી વીર જવાનને સન્માનપૂર્વક લઈ જવામાં આવ્યા હતા.
ભારતીય સેનામાં ફરજ બજાવવી એ માત્ર નોકરી નહીં, પરંતુ માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને દેશપ્રેમનું પ્રતીક છે. વર્ષો સુધી પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવનાર શક્તિસિંહ મોતીભા જાડેજાની દેશસેવાને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી.ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે મોટા માઢા ગામના વીર જવાને ભારતીય સેનામાં સેવા આપીને સમગ્ર ગામ અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શક્તિસિંહ મોતીભા જાડેજાને નિવૃત્તિ બાદના જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. વીર જવાનના સન્માનનો આ પ્રસંગ સમગ્ર વિસ્તાર માટે ગૌરવ અને પ્રેરણારૂપ બની રહ્યો હતો.