BREAKING NEWS

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીના પર્વે ભવ્ય કાર્યક્રમ યોજાયો

  • September 08, 2026 12:38 PM 

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીના પર્વે ભવ્ય કાર્યક્રમ યોજાયો

લોકગાયક ગીતાબેન રબારી અને ભાવેશ આહિર દ્વારા ભવ્ય લોકગીતોની પ્રસ્તુતિ થકી સમગ્ર વાતાવરણ બન્યું કૃષ્ણમય

ધારાસભ્ય મુળુભાઇ બેરા, પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના પાવન પર્વની પવિત્ર સંધ્યાએ દ્વારકા ખાતે ભવ્ય "દ્વારકા ઉત્સવ-૨૦૨૬"ની ઉજવણી કરવામાં આવી હતી. હાથી ગેટની પાસે નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ઉત્સવમાં સુપ્રસિદ્ધ લોકગાયકો  ગીતાબેન રબારી તેમજ ભાવેશભાઈ આહિર અને ટીમ દ્વારા પારંપારિક લોકગીતો અને કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. 

જન્માષ્ટમી પર્વેની સર્વેને શુભકામનાઓ પાઠવતા ધારાસભ્ય મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના પાવન દિવસે આપણે સૌ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ ત્યારે આપણી સાંસ્કૃતિક વિરાસતને પ્રતિબિંબિત કરતો દ્વારકા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના "વિકાસ ભી વિરાસત ભી" મંત્રને સાકાર કરતો આ કાર્યક્રમ યોજવા બદલ વહીવટી તંત્ર તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને અભિનંદન પાઠવું છું. 

આ તકે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની સાથે સાથે જન્માષ્ટમીના પાવન પર્વે સર્વેને શુભકામનાઓ પાઠવું છું. દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિના પુન: ઉત્થાન માટે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરી સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરી છે. 

જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જન્માષ્ટમી પાવન અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર યોગેશ નિરગૂડેએ પ્રાસંગિક ઉદબોધન કરી સૌને આવકાર્યા હતા. 

દ્વારકાના ઝાંઝરી ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓને પ્રસ્તુત કરતી મારો દેવ દ્વારકાવાળો નૃત્યનાટિકાની  પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ગૌરીબેન હાથિયા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પોલીસ અધિક્ષક  જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર  એમ.વી.દેસાઈ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી ગિલ, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી અગ્રણી સર્વે  જે.કે.હાથિયા, વિજય બુજડ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application