BREAKING NEWS

જામનગર: હડિયાણા ખાતે શ્રી ખંભલાવ માતાજી મંદિરે હવનાષ્ટમી નિમિત્તે ભવ્ય ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે

  • October 17, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હડિયાણા ખાતે શ્રી ખંભલાવ માતાજી મંદિરે હવનાષ્ટમી નિમિત્તે ભવ્ય ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે

૧૭ ઓક્ટોબરના રોજ રાત્રે ડીજેના તાલે ભવ્ય રાસ-ગરબાનું આયોજન, આસો સુદ આઠમે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ૧૦૮ કુંડી મહાયજ્ઞ, છપ્પનભોગ અને મહાઆરતી યોજાશે

જામનગર: આસ્થાના પરમ ધામ એવા શ્રી ખંભલાવ માતાજી મંદિર - હડિયાણા ખાતે આસો નવરાત્રિની પવિત્ર હવનાષ્ટમી નિમિત્તે કુળદેવી માઁ ખંભલાવના સાનિધ્યમાં ભવ્ય ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞ ઉત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વસતા સમસ્ત રાવલ પરિવાર તેમજ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં આ ધર્મોત્સવ સંપન્ન થશે.

આ મહોત્સવ અંતર્ગત તારીખ ૧૭-૧૦-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે કુળદેવી શ્રી ખંભલાવ માતાજીના પવિત્ર પટાંગણમાં ડીજેના તાલે પારિવારિક રાસ-ગરબા કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ આસો સુદ-આઠમ (હવનાષ્ટમી) ને તારીખ ૧૮-૧૦-૨૦૨૬, રવિવારના રોજ શાસ્ત્રોક્ત વિધિથી ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. જેમાં સવારે ૭:૩૦ કલાકે શ્રી ગણેશ પૂજન, ૯:૦૦ કલાકે નાંદી શ્રાદ્ધ અને ૯:૪૫ કલાકે અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટ્ય કરી કુંડ પૂજન તથા અગ્નિ સ્થાપન કરવામાં આવશે. સવારે ૧૦:૧૫ કલાકે કર્મપ્રધાન દેવી ભગવતી પૂજન તેમજ ૧૦:૩૦ કલાકે માઁ ખંભલાવને છપ્પનભોગ અર્પણ કરી દર્શન ખુલ્લા મૂકાશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે નવગ્રહ તથા મહાદેવ રુદ્ર પૂજન તેમજ શ્રી ખંભલાવ ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ-ગરબા પ્રસ્તુત થશે. બપોરે ૧૨:૦૦ કલાકે ફળાહાર/મહાપ્રસાદ યોજાશે. બપોર બાદ ગ્રહહોમ, હોમાત્મક ચંડીપાઠ, શક્રાદય-બિંડુ હોમ સંપન્ન કરી સાંજે ૪:૦૦ કલાકે દિવ્ય મહાઆરતી યોજાશે.

આ મહાયજ્ઞમાં પ્રખર વિદ્વાન શાસ્ત્રી શ્રી કમલપ્રસાદ જાની મુખ્ય આચાર્ય પદ શોભાવશે. મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે જ્યોતિબેન અને વિજયભાઈ એલ. રાવલ (રાજકોટ) તથા સહ સહાયક યજમાનો સેવા આપી રહ્યા છે.મંદિર ટ્રસ્ટના પ્રમુખ નૈનેશ શંકરલાલ રાવલ, મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ વિનોદરાય વ્યાસ, ટ્રસ્ટી પંકજ ધીરજલાલ વ્યાસ, ટ્રસ્ટી પ્રદીપ ઉપેન્દ્રભાઈ રાવલ અને સલાહકાર ચંદ્રકાંતભાઈ રાવલ (લંડન) સહિતના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મંગલમય ધાર્મિક મહોત્સવ અને દર્શન-મહાપ્રસાદનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application