દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૩૩ બેઠકો પર વિજય મેળવી નગરપાલિકા પર પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું છે.
બીજી તરફ, કોંગ્રેસને માત્ર ૩ બેઠકો પ્રાપ્ત થતાં વિપક્ષની ભૂમિકા સુધી સીમિત રહેવું પડ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી એકપણ બેઠક જીતવામાં સફળ રહી નથી.
ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપને મળેલા આ પરિણામ બાદ દ્વારકાના મુખ્ય માર્ગો પર ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અને જીતની ઉજવણી કરી હતી. ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ૩૩ બેઠકોને પગલે નગરપાલિકામાં પક્ષનું વર્ચસ્વ આગામી સમયમાં પણ યથાવત રહેવાના સંકેત મળી રહ્યા છે.