જામનગર: ખિલોસ ગામના ફૌજીએ દેશસેવા પુર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત
ક્ષત્રિય યુવાન વિમલસિંહ જાડેજાની દેશ સેવાને બિરદાવવા ફલ્લાથી ખીલોસ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઇ: ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો વિસ્તાર
જામનગર તાલુકાના ફલ્લા નજીક આવેલા ખીલોસ ગામના ક્ષત્રિય યુવાન વિમલસિંહ હઠીસિંહ જાડેજા ભારતીય લશ્કરમાં ૨૪ વર્ષ અને ૧૫ દિવસ સુધી દેશની સરહદોની રક્ષા કરીને નિવૃત્ત થયા બાદ પોતાના વતન પરત ફરતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
નિવૃત્તિ બાદ વતન પરત ફરેલા જવાનના સન્માનમાં ફલ્લા ગામથી ખીલોસ ગામ સુધી અંદાજે પાંચ કિલોમીટર લાંબી બાઇક રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા. સમગ્ર માર્ગ દરમિયાન દેશભક્તિના નારા અને ’ભારત માતા કી જય’ ના ગગનભેદી નાદ વચ્ચે જવાનનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિમલસિંહ જાડેજાએ ભારતીય સેનામાં રહી દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક દેશસેવા કર્યા બાદ તેઓ નિવૃત્ત થઈ પોતાના ગામે પરત ફરતાં ગ્રામજનોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી. ગામજનો તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ તેમનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને દેશસેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.