દ્વારકા જિલ્લાના ખેડૂતોને મગફળીના ઊભા પાકમાં સફેદ ધૈણના સંકલિત નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને મગફળીના ઊભા પાકમાં સફેદ ધૈણના સંકલિત નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
જે મુજબ, સફેદ ધૈણના ઢાલીયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલીયા ભેગા કરી નાશ કરવો.મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારિઝિયમ એનીસોપલી ડ્રેન્ચિગ દ્વારા ૫.૦ કિ.ગ્રા./ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવુ.સફેદ મુંડનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરિફોર ૨૦ ઈ. સી. ૪૦ થી ૫૦ મી. લી.દવા પ્રતિ ૧૦ લીટર મેળવી શકાય છે.ઊભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરિફોસ ૨૦ ઈ.સી. અથવા ક્વિનલફોસ ૨૫ ઈ.સી. હેક્ટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે.
ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનું હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ કરવા માટે કલોરપાયરિફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સૂકવી, આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પૂખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવુ પિયત આપવું.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી મેળવવા વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી,ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ખેતી નિયામક,નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.