જામનગર જિલ્લાના ૧૦ દિવ્યાંગજનોને કલેક્ટર પી.બી.પંડયાના હસ્તે ગાર્ડિયનશીપ પ્રમાણપત્ર એનાયત કરાયા
જામનગર તા.૧ સપ્ટેમ્બર, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકલ લેવલ કમિટી (LLC) દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના હસ્તે જિલ્લાના ૧૦ દિવ્યાંગજનોને ગાર્ડિયનશીપ (વાલીપણા) પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકલ લેવલ કમિટી (LLC) એ ભારતમાં ધ નેશનલ ટ્રસ્ટ હેઠળની એક જિલ્લા સ્તરની વૈધાનિક સમિતિ છે, જે વિકાસાત્મક અને બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કાનૂની વાલી (Legal Guardian) ની નિમણૂક કરવાની અને તેમને હટાવવાની કાનૂની સત્તા ધરાવે છે. LLC ગાર્ડિયનશીપની સંચાલન સંસ્થા સામાજિક ન્યાય અને સત્તાધિકારીતા મંત્રાલય હેઠળના નેશનલ ટ્રસ્ટ એક્ટ, 1999 અંતર્ગત સ્થાપિત કરવામાં આવી છે.
આ અંતર્ગત ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, બૌદ્ધિક અક્ષમતા (મેન્ટલ રિટાર્ડેશન) અને બહુવિધ વિકલાંગતા (મલ્ટિપલ ડિસેબિલિટીઝ) ધરાવતી વ્યક્તિઓ માટે જ કાનૂની વાલીની નિમણૂક કરી શકાય છે. દરેક જિલ્લામાં આ સમિતિના વડા જિલ્લા કલેક્ટર હોય છે. આ સમિતિમાં સ્થાનિક કલ્યાણ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો પણ સામેલ હોય છે.
માતા-પિતા, પરિવારના સભ્યો અથવા રજિસ્ટર્ડ સ્થાનિક કલ્યાણ સંસ્થાઓ કાનૂની વાલીપણા માટે LLC સમક્ષ અરજી કરી શકે છે. વાલીએ દિવ્યાંગ વ્યક્તિની સંભાળ, સુરક્ષા અને તેની મિલકતોનું સંચાલન તે વ્યક્તિના શ્રેષ્ઠ હિતમાં કરવાનું હોય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, લગત વિભાગના અધિકારીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application